<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

સાવરકુંડલા મામલતદાર કચેરીમાં પેવિંગ બ્‍લોકનાં કામમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ

ગ્રામ્‍ય વિસ્‍તારના જાગૃત કાર્યકરનો વિડીયો વાયરલ થતા ચકચાર ફેલાઇ

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૧૬: સાવરકુંડલા ખાતેની મામલતદાર કચેરી અને જન સુવિધા કેન્‍દ્ર વચ્‍ચે આવેલી જગ્‍યામાં પેવિંગ બ્‍લોક બેસાડવાનું કામ ચાલી રહ્યું છે ત્‍યારે ગઈકાલે આ કામ ચાલુ હતું ત્‍યારે જ ગ્રામ્‍ય વિસ્‍તારના જાગળત કાર્યકર સીમરણ ગામના ભરતભાઈએ મામલતદાર કચેરીની મુલાકાત લઇ ચાલી રહેલા પીસીસી કામનું નિરીક્ષણ કરતા પીસીસી કામમાં જે રેતી વાપરવામાં આવતી હતી. તે રેતીમાં ૭૦% જેટલી ધૂળ અને માટી હોય તેમણે મામલતદારને બોલાવી સ્‍થળ પર જ રેતીના નમુના બતાવી પીસીસી કામમાં ભયંકર ભ્રષ્ટાચાર થતો હોવાનો જાહેરમાં આક્ષેપ કર્યો હતો. મામલતદાર શ્રી એ પણ ધૂળવાળી રેતી જોઈ આર એન્‍ડ બીના અધિકારીઓને તાત્‍કાલિક આ બાબતે ઘટતું કરવા સૂચના આપતા આર એન્‍ડ બીના અધિકારીઓ પણ સ્‍થળ પર દોડી આવ્‍યા હતા અને ધૂળ વાળી હલ્‍કી રેતીથી કામ ચાલતુ હોય કોન્‍ટ્રાક્‍ટરને તાત્‍કાલિક અસરથી કામ અટકાવી સારી રેતીમાં કામ કરવા સૂચના આપી હતી. આ સમગ્ર ઘટના ક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચકચાર ફેલાઇ ગઇ હતી કે મામલતદાર કચેરીના કમ્‍પાઉન્‍ડમાં જ ભ્રષ્ટાચાર યુક્‍ત કામ થઈ રહ્યું હોય ત્‍યારે અન્‍યત્ર ચાલતા કામની ગુણવત્તા કેવી હશે તેવો સવાલ જનતામાં ઉઠી રહ્યો છે અહીં બીજો એક પ્રશ્‍ન મહત્‍વનો એ પણ ઉભો થાય છે કે સમગ્ર અમરેલી જિલ્લામાં ચોરી છુપીથી આવતી બાંધકામ માટેની રેતી પણ છેલ્લા છ એક મહિનાથી રાજકિય આગેવાનોની આંતરિક લડાઈને કારણે બંધ થઈ જવા પામી છે ત્‍યારે ખુદ મામલતદાર કચેરી ખાતે જ ચોરી છૂપીથી રેતીના ઢગલા થતા હોય. લોકો અચરજ પામી રહ્યા છે ચોરી છૂપીથી રેતી મામલતદાર કચેરી સુધી કેવી રીતે પહોંચી જતી હશે, તેવો સવાલ શહેરીજનોમાં પણ  ઉઠી રહ્યા છે. દરમ્‍યાન મામલતદાર શ્રી એ જણાવ્‍યું કે આર એન્‍ડ બીના અધિકારીઓ આ પ્રકરણની તપાસ કરી રહ્યાં છે.

(12:17 PM IST)