<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

પોરબંદરમાં માનવતાનો દીવડો પ્રગટાવનાર કેતનભાઇ ગજ્જરને અભિનંદન પાઠવતા રામદેવભાઇ

હનુમાન જયંતીએ ઉદ્યોગપતિ કેતનભાઇના માર્ગદર્શન હેઠળ મહારકતદાન કેમ્‍પમાં ટીમ વર્કથી પ હજાર બોટલથી વધુ રેકર્ડ બ્રેક રકત એકઠું થયું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૬: બાલા હનુમાનજી વંદના મહોત્‍સવમાં રેકોર્ડ બ્રેક રક્‍તદાન કરાવીને ઇતિહાસ સર્જનારા પોરબંદરના યુવા ઉદ્યોગપતિ કેતન ગજ્જર સહિત તેમના સ્‍વયંસેવકોની ટીમને ઇન્‍ડિયન  રેડ ક્રોસ સોસાયટીના ગુજરાત ની મેનેજિંગ કમિટીના સભ્‍ય તથા પોરબંદર રેડક્રોશ તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા અને તેમની ટીમે બિરદાવી છે અને આ સેવા કાર્યમાં સહભાગી બનવા બદલ રામદેવભાઈ મોઢવાડિયા એ કેતનભાઇ  ગજ્જરનો આભાર માન્‍યો હતો અને અભિનંદન પાઠવ્‍યા છે.

ઇન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાતની મેનેજિંગ કમિટીના મેમ્‍બર અને પોરબંદર તાલુકા શાખા ના પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્‍યું હતું કે તાજેતરમાં પોરબંદરમાં બાલા હનુમાનજી વંદના મહોત્‍સવ અંતર્ગત મહારક્‍તદાન કેમ્‍પનું આયોજન કરીને યુવા ઉદ્યોગપતિ કેતનભાઇ ગજજરે પોરબંદરને જે નવી ઓળખ અપાવી છે અને નવો ઇતિહાસ સર્જ્‍યો છે તેના બદલ તેઓ અભિનંદનને પાત્ર છે. તેમણે ૫૭૪૫ બોટલ રક્‍તદાન કરાવીને માનવતાની સરવાણી વહાવી છે માત્ર પોરબંદર શહેર જ નહીં પરંતુ જિલ્લાભરમાં રક્‍તદાન કેમ્‍પ દ્વારા લોહી એકઠું થયું છે પોરબંદર રાણાવાવ કુતિયાણા બગવદર અને કડછ મુકામે યોજવામાં આવેલા રક્‍તદાન કેમ્‍પમાં વિશાળ સંખ્‍યામાં રક્‍તદાતાઓએ લોહી આપ્‍યું છે ત્‍યારે તેનું માઈક્રો પ્‍લાનિંગ કેતનભાઇ ગજ્જરને આભારી છે.

આ રક્‍તદાન કેમ્‍પમાં જુદી જુદી બ્‍લડ બેંકો સાથે સંકલન સાધવાની કામગીરી રામદેવભાઈ મોઢવાડિયા ને સોંપવામાં આવી હતી અને તેમના દ્વારા બ્‍લડ બેંકો સાથે સંકલન કરીને માનવતાના આ સેવા કાર્યોમાં સહભાગી બનવાનો મોકો મળ્‍યો હતો તે બદલ રામદેવભાઈ મોઢવાડિયા એ કેતનભાઇ ગજ્જરનો આભાર માન્‍યો હતો. રામદેવભાઈ મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે ઊંચા ગજાના ઉદ્યોગપતિ હોવા છતાં કેતનભાઇ ગજજરે જે નમ્રતાથી સહુ સાથે મળી હળીને આયોજન કર્યું છે તે કાબિલેદાદ છે.

(1:15 PM IST)