<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

જૂનાગઢમાં રાત્રે મેગા ડિમોલીશન, ૬ જેટલા ધાર્મિક દબાણ દૂર કરાયા

પોલીસના ચુસ્‍ત બંદોબસ્‍ત વચ્‍ચે મનપા દ્વારા કાર્યવાહી, તળાવ, ગાંધી ચોક, દાતાર રોડ ખાતેના દબાણો હટાવાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૭ :..   જૂનાગઢમાં રાત્રે મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્‍યું હતું આ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્‍તારમાંથી ૬ જેટલા ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્‍યા હતા.

મોડી રાત્રે કોઈને પણ ગંધ ના આવે તે રીતે મહાનગરપાલિકા તંત્ર દ્વારા પોલીસના લોખંડી બંદોબસ્‍ત વચ્‍ચે ડિમોલિશન કરવામાં આવ્‍યું હતું. જૂનાગઢના મુખ્‍ય માર્ગો પર અડચણરૂપ દબાણો હટાવવામાં આવ્‍યા હતા. મનપાના સૂત્રોએ જણાવ્‍યું હતું કે, જે તે સમયે નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં પણ કોઈ પણ પ્રકારના આધાર પુરાવા રજૂ કરવામાં આવ્‍યા ન હતા. આખરે રાત્રે પોલીસના ચુસ્‍ત બંદોબસ્‍ત વચ્‍ચે નરસિંહ મહેતા તળાવ પાસેનું ધાર્મિક દબાણ તેમજ દાતાર રોડ ખાતેનું અને ગાંધી ચોકમાં આવેલ ધાર્મિક દબાણ જેસીબી સહિતના સાધનોની મદદથી દૂર કરવામાં આવ્‍યું હતું. એક રાતમાં કુલ છ જેટલા ધાર્મિક દબાણો હટાવીને દબાણ ખુલ્લા કરવામાં આવ્‍યા હતા અને તેના કાટમાળનો નિકાલ કરી દેવામાં આવ્‍યો હતો.

આ કાર્યવાહી દરમિયાન કોઈપણ જાતનો અઇચ્‍છનીય બનાવ બને નહીં તે માટે સમગ્ર શહેરમાં લોખંડી પોલીસ અધિકારીઓ જવાનો સહિતનો બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો. જેના પરિણામે એકંદરે સફળતાપૂર્વક ડિમોલિશનની કાર્યવાહી પૂર્ણ થઇ હતી. (પ-૯)

(2:38 PM IST)