News of Thursday, 17th April 2025
ટંકારાના મિતાણામાં ખેડૂત પર અજાણ્યા શખ્સોનો જીવલેણ હુમલો : પાળેલા કૂતરાએ માલિકનો જીવ બચાવ્યો : જુઓ વિડીયો
ફળિયામાં સૂતેલા ખેડૂત પર ત્રણ અજાણ્યા ઈસમોનો ઘાતક હુમલો CCTVમાં કેદ : ખેડૂતે પોતાના કૂતરાને છોડતાં હુમલાખોરો ભાગી છૂટ્યા : પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

જયેશ પટેલ, ટંકારા: ટંકારા તાલુકાના મિતાણા ગામે એક ખેડૂત પર ત્રણ અજાણ્યા ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. જો કે, ફળિયામાં બાંધેલા પાળેલા કૂતરાએ સમયસૂચકતા દાખવીને પોતાના માલિકનો જીવ બચાવી લીધો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, અમિતભાઈ રહીમભાઈ ઠેબા નામના ખેડૂત ગત તા.૧૨મી એપ્રિલની રાત્રે પોતાના પરિવાર સાથે ફળિયામાં સૂતા હતા. તે દરમિયાન અચાનક ત્રણ અજાણ્યા ઈસમોએ તેમના પર ઘાતક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ખેડૂતને ગંભીર ઈજાઓ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે, અમિતભાઈએ પોતાના ફળિયામાં બાંધેલા પાળેલા કૂતરાને છોડી દેતાં જ હુમલાખોરો ગભરાઈ ગયા હતા અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં કૂતરાએ પોતાના માલિકનો જીવ બચાવ્યો હતો.
હુમલાખોરો અંગે ખેડૂત પોતાની રીતે તપાસ કરી રહ્યા હોવાથી પોલીસને આ ઘટનાની જાણ મોડી કરવામાં આવી હતી. તેમ છતાં, ટંકારા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
