તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 22nd April 2025
વિસાવદર પેટાચૂંટણીમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ઝંપલાવ્યું: 'બાપુ' એ લાલજી કોટડિયાને ટિકિટ આપી
ભાજપ પર પ્રહાર કરતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, અત્યારે જેઓ સરદાર સાહેબના નામે ચરી ખાય છે. તેમણે જ અમદાવાદ એરપોર્ટનું સરદાર પટેલ સાહેબના નામે નામકરણ કરવાનું હતુ, ત્યારે કાળા વાવટા સાથે વિરોધ કર્યો હતો

વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે આ બેઠક પર આ વખતે ચોપાંખિયો જંગ જામે તેમ લાગી રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સિવાય વિસાવદર પેટાચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે.
આજે વિસાવદર સ્થિત સુંદરબા હોલ ખાતે શંકરસિંહ વાઘેલા દ્વારા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકરોને સંબોધન કરવામાં આવ્યું હતુ. જેમાં તેમણે વિસાવદર પેટા ચૂંટણી માટે પોતાની પાર્ટીના ઉમેદવાર તરીકે લાલજી કોટડિયાના નામની સત્તાવાર જાહેરાત કરી હતી.
આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ પોતાના સંબોધનમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને યાદ કર્યાં હતા. આ સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પર આકરા પ્રહાર કર્યાં હતા.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં ઉનાળું મગફળીના પ્રણેતા કેશુભાઈ પટેલ હતા. જેમણે સૌ પ્રથમ પોતાના ખેતરમાં ઉનાળું મગફળીનો પ્રયોગ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને ઉનાળામાં મગફળી વાવવા માટે આહવાન કર્યું હતુ.
ભાજપ પર પ્રહાર કરતા શંકરસિંહે જણાવ્યું કે, અત્યારે જેઓ સરદાર સાહેબના નામે ચરી ખાય છે. તેમણે જ અમદાવાદ એરપોર્ટનું સરદાર પટેલ સાહેબના નામે નામકરણ કરવાનું હતુ, ત્યારે કાળા વાવટા સાથે વિરોધ કર્યો હતો.
ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી એક જ પાર્ટી શાસન કરી રહી હોય, તો લોકો આટલા દુઃખી કેમ છે. આ પેટાચૂંટણીથી ભાજપને કોઈ ફરક પડવાનો નથી. તેમના 160 ધારાસભ્યો છે, તેમાં એક વધે તોય શું થવાનું છે.
વિસાવદરની પેટાચૂંટણી માત્ર ચૂંટણી નથી, પરંતુ ઊંઘેલી સરકારને ઉઠાડવાનો અને સ્પષ્ટ સંદેશ આપવાનો અવસર છે. ભાજપને કરંટ આપવા માટે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ભાલાની અણી અડાડવાની છે.
, વિસાવદર બેઠક પર પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા પહેલાથી જ ગોપાલ ઈટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન પણ હવે રહ્યું નથી. આથી કોંગ્રેસ અને ભાજપ પણ આગામી સમયમાં પોત-પોતાના ઉમેદવારો જાહેર કરશે. જેના પરિણામે વિસાવદરનો ચૂંટણી જંગ ખરા અર્થમાં રોમાંચક બની શકે છે.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
