News of Saturday, 26th April 2025
જામનગરની હરિયા કોલેજના એવોર્ડ સમારોહમાં ભારે હોબાળો : ફાઉન્ડર ચેરમેન અને તેના પરિવારે સ્ટેજ પર આગેવાનને લાવવાનો વિરોધ કર્યો
બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા જિનેશ શાહ સામે અનેક કેસ પેન્ડિંગ હોવાના આક્ષેપઃ ચાલુ કાર્યક્રમમાં ડખ્ખો થતા પોલીસ બોલાવવી પડી : મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૬: જામનગરની જાણીતી હરિયા કોલેજના એવોર્ડ વિતરણ સમારોહમાં ગત રાત્રે ભારે હોબાળો થયો હતો. કોલેજના ફાઉન્ડર ચેરમેન અને તેમના પરિવારજનોએ કાર્યક્રમ દરમિયાન જામનગરના બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા જિનેશ શાહ નામના વ્યક્તિને સ્ટેજ પર લાવવાનો સખત વિરોધ કર્યો હતો.
ફાઉન્ડર ચેરમેન અને તેમના પરિવારે આક્ષેપ કર્યો હતો કે જિનેશ શાહ સામે અનેક ગુનાહિત કેસ પેન્ડિંગ છે અને તેમની આવી છબી સામાજિક સંસ્થા સાથે જોડાયેલા કાર્યક્રમમાં શોભે તેવી નથી. આ મુદ્દે ચાલુ કાર્યક્રમમાં જ ભારે બોલાચાલી થતા પરિસ્થિતિ તંગ બની હતી અને આખરે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વિવાદ એટલો વધી ગયો હતો કે મોડી રાત્રે મુંબઈથી આવેલા ફાઉન્ડર ચેરમેન અને તેમના પરિવારે રમણીકભાઈ તરીકે ઓળખાતા કોલેજના ટ્રસ્ટી અને તેમના સાળા જિનેશ શાહ સામે ગંભીર આક્ષેપો સાથે સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી છે.
હાલમાં આર કે શાહ તરીકે ઓળખાતા રમણીકભાઈ અને તેમના સાળા જિનેશભાઈ શાહ સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે આગામી સમયમાં આ મામલો નવું સ્વરૂપ ધારણ કરે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. પોલીસ આ સમગ્ર મુદ્દે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. આ હોબાળાને પગલે મોડી રાત્રે મહાજન અગ્રણીઓના ટોળા પણ પોલીસ સ્ટેશન ખાતે જોવા મળ્યા હતા, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે. (તસવીર - કિંજલ કારસરિયા, જામનગર)
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
