<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

ભાવનગર યુનિવર્સિટીનું ગૌરવ: ઔષધીય રસાયણશાસ્ત્રના સાધક ડો. નિશીથ દેસાઈના માર્ગદર્શનમાં ૫૦મો સંશોધન વિદ્યાર્થી તૈયાર: સંશોધનનું નવું શિખર : જૂઓ સંપુર્ણ યાદી

ભાવનગર યુનિવર્સિટીમાં સીમાચિહ્નરૂપ ઘટના: ડો. નિશીથ દેસાઈના માર્ગદર્શન હેઠળ ૫૦મો સંશોધન વિદ્યાર્થી પી.એચ.ડી. પ્રાપ્ત કરશે

રાજકોટ: મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સ્થાપના કાળથી અત્યાર સુધી સંશોધન ક્ષેત્રે એક નવું સોપાન સર કરવામાં આવશે. રસાયણશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ તેમજ ડીન ડો. નિશીથ દેસાઈ (જેઓ BSR UGC ફેલો રહી ચૂક્યા છે)ના માર્ગદર્શન હેઠળ તા. ૨૮મી એપ્રિલે તેમના ઔષધીય રસાયણશાસ્ત્ર (Medicinal Chemistry) વિષયમાં ૫૦મા સંશોધન વિદ્યાર્થીનો વાઇવા યોજાવાનો છે. આ ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર શહેર તેમજ ડો. દેસાઈ માટે એક સીમાચિહ્નરૂપ ઘટના છે. નજીકના ભવિષ્યમાં કોઈ આ સિદ્ધિ સુધી પહોંચી શકે તેવી સંભાવના નથી.

 

૧૯૮૩માં સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને પછી યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગમાં જોડાયેલા ડો. નિશીથ દેસાઈએ ૩૮ વર્ષ સુધી ૪૯ સંશોધન વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને ૧૭૦થી વધુ સંશોધન લેખો પ્રકાશિત કર્યા છે. આ લેખોમાં વિશ્વના પ્રથમ પંગ્તિના સંશોધન જર્નલો જેવા કે યુરોપિયન જર્નલ ઓફ મેડિસિનલ કેમિસ્ટ્રી, મેડિસિનલ રિસર્ચ રિવ્યૂઝ (BMCL), અમેરિકન કેમિકલ સોસાયટી (મેડકેમ), આર્કાઇવ્ઝ ઓફ ફાર્મસી, ઇન્ડિયન જર્નલ ઓફ કેમિસ્ટ્રી, એક્સપર્ટ ઓપિનિયન ઇન થેરાપ્યુટિક્સ પેટન્ટ્સ, જર્નલ ઓફ હેટરોસાયક્લિક કેમિસ્ટ્રીનો સમાવેશ થાય છે. ડો. દેસાઈએ વિશ્વના શ્રેષ્ઠ સાયન્ટિફિક પબ્લિશિંગ હાઉસ ટેલર એન્ડ ફ્રાન્સિસ દ્વારા ‘એનાલિટિકલ લેટર્સ’ અને ‘પોલીએરોમેટિક કમ્પાઉન્ડ્સ’ નામના જર્નલોના ચીફ એડિટર તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યો છે. કદાચ આ બહુમાન પશ્ચિમ ભારતમાં મેળવનાર તેઓ પ્રથમ રસાયણવિજ્ઞાની છે. ભાવનગર યુનિવર્સિટી ઉપરાંત તેઓ ગુજરાતની પ્રમુખ યુનિવર્સિટીઓમાં પી.એચ.ડી. રેફરી, વિષય નિષ્ણાત તરીકે અને પ્રોફેસરોની નિયુક્તિ માટે કુલપતિની સર્ચ કમિટીના ચેરમેન તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. બહુ નાની વયે UGC દ્વારા કેરિયર એવોર્ડ મેળવીને ‘ટેક્સોલ’ અને ‘કેમ્ફોથેસિન’ જેવી કેન્સર વિરોધી દવાઓના શોધક પ્રો. એમ. સી. વાનીની યુએસએની પ્રયોગશાળામાં સંશોધન કાર્ય કર્યું હતું. આશરે ૪૭૭૬ સાઇટેશન, H-ઇન્ડેક્સ (૩૭), i-ઇન્ડેક્સ (૧૨૨) ધરાવતા તેઓ ગુજરાતના સંશોધકોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

 

તેમના ૪૯ વિદ્યાર્થીઓ પૈકી ડો. ઉન્નત પંડિત ભારત સરકારના કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ તરીકે સેવાઓ આપે છે. બાકીના સંશોધન વિદ્યાર્થીઓ ઝાયડસ, કેડિલા હેલ્થકેર જેવી સંસ્થાઓમાં R&D, ક્વોલિટી અને IPR વિભાગોમાં ટોચના મેનેજમેન્ટ તરીકે કાર્યરત છે. ઘણા વિદ્યાર્થીઓ ફાર્મા જગતના ઉદ્યોગપતિઓ અને પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકો તરીકે સ્થાપિત થયા છે. તેમના માર્ગદર્શન હેઠળ ૪૦૦૦ વિદ્યાર્થીઓએ M.Sc. (અનુસ્નાતક) ડિગ્રી પ્રાપ્ત કરી છે. વિશ્વવિખ્યાત રસાયણવિજ્ઞાની ડો. સુખદેવે તેમના ભાવનગર નિવાસ દરમિયાન પુત્રવત સ્નેહ આપ્યો હતો.

 

હાલ તેઓ મારવાડી યુનિવર્સિટીમાં સંશોધન ક્ષેત્રે માનદ પ્રોફેસર તરીકે કાર્યરત છે. ડો. નિશીથ દેસાઈના ૫૦મા સંશોધન વિદ્યાર્થીના પી.એચ.ડી. વાઇવા નિમિત્તે તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો દ્વારા આવતીકાલે તા. ૨૮મી એપ્રિલે ટૂંકો પરંતુ સાદગીભર્યો કાર્યક્રમ યોજવામાં આવશે. આમ, શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે ત્રિવિધ કાર્યક્રમનો સંગમ યોજાશે.

સંશોધનમાં ઉત્તમ ગુણવત્તા અને પ્રકાશનોમાં શ્રેષ્ઠ જર્નલોની પસંદગીના આગ્રહી ડો. નિશીથ દેસાઈએ મૌન રીતે સંશોધન કાર્ય કરીને ઉત્તમ પ્રોફેસર તરીકેની સુવાસ પ્રાપ્ત કરી છે. વિદ્યાર્થીપ્રેમી અને રસાયણવિજ્ઞાનના નવીનતમ સંશોધનોથી માહિતગાર ડો. દેસાઈ ગુજરાતમાં બૌદ્ધિક સંપદા (Intellectual Property)ના નિષ્ણાત તરીકે પણ જાણીતા છે. તેમની સેવાઓ રાજ્ય તેમજ ભારત સરકાર અને અનેક સંસ્થાઓએ મેળવી છે.

ડૉ. દેસાઈનું નામ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત વિશ્વના 2% વૈજ્ઞાનિકની નામની સૂચિમાં છેલ્લા ચાર વર્ષથી સતત પ્રસિદ્ધ થયેલ છે. ડો. દેશાઈના આધ્યક્ષીય કાર્યકાળ દરમ્યાન રસાયણભવનમાં અવતન માળખાકીય સુવિધાઓ જેવી કે ઓડિટોરીયમ, કોન્ફરન્સ રૂમ. R & B પ્રયોગશાળા તેમજ અદ્યતન એનેકસી બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવેલ. જેમાં અંદાજીત પાંચ કરોડ રૂપિપાનો ખર્ચ કરવામાં આવેલ હતો. કો. પ્રોફસર દેશાઈ હાલમાં ઈન્ડીયન સોસાયટી ઓફ કેમીસ્ટ્ એન્ડ બાયોલોજીસ્ટ્ના ઉપપ્રમુખ તરીકે કાર્ય કરે છે. (આલેખન ડો. અનામીક શાહ, પ્રમુખ I.S.C.B. લખનઉ)

(12:14 PM IST)