<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

ગરમીનો સામનો કરવા તંત્ર સજ્જ: રાજ્યના ૧૦ શહેરો માટે હીટ એક્શન પ્લાનનું લોન્ચિંગ

સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના ૧૦ શહેરો માટે ભુજમાં કાર્યક્રમ યોજાયો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તેમજ કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરન્મેન્ટ એન્ડ વોટર(CEEW) દ્વારા આયોજન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ : ભુજના સ્મૃતિવન મ્યૂઝિયમ ખાતે  ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મંડળ, જિલ્લા વહીવટીતંત્રના ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તેમજ કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરન્મેન્ટ એન્ડ વોટર(CEEW)ના સહયોગથી હીટ એક્શન પ્લાનનું લોન્ચિંગ અને અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ માટે કેપેસિટી બિલ્ડીંગના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરન્મેન્ટ એન્ડ વોટર(CEEW) દ્વારા રાજ્યના ૧૦ શહેરો જેવા કે, ભુજ, સુરત, વલસાડ, નવસારી, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, ઈડર, પાટણ, પાલનપુર માટે તૈયાર કરાયેલા હીટ એક્શન પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્લાનમાં જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓ, હેલ્થ વિષયક તૈયારીઓ, સસ્ટેનેબલ અર્બન પ્લાનિંગ, હીટવેવ ટાસ્ફ ફોર્સની રચના અને જવાબદારીઓ તેમજ હીટવેવ સામેની સક્સેસ સ્ટોરી અંગેના વિવિધ પ્રેઝેન્ટેશન અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી પસંદ કરાયેલા શહેરોમાં ભુજનો પણ સમાવેશ કરાયો હોવાથી ભુજ શહેર માટે તૈયાર કરવામાં આવેલા “Heat Action Plan-2025”નું લોન્ચિંગ કરાયું હતું. હીટવેવ એક્શન પ્લાન સંબંધિત કામગીરી કરનારા વિવિધ સ્ટેક હોલ્ડર્સ, જિલ્લા વહીવટીતંત્ર કે કોર્પોરેશન કે નગરપાલિકાઓના અધિકારીશ્રીઓ માટે ટ્રેનિંગ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. 

આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી સૂરજ સુથાર, મુન્દ્રા પ્રાંત અધિકારીશ્રી બી.એચ.ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.આર.પ્રજાપતિ અને વિજયા પ્રજાપતિ, ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી અરૂણ શર્મા, ભુજ શહેર મામલતદારશ્રી ડી.કે.રાજપાલ, સ્મૃતિવનના ડીરેક્ટરશ્રી મનોજ પાંડે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદારશ્રી ચિરાગ નિમાવત, માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કાર્યપાલક ઈજનેરશ્રી કે.પી.નાયી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી ડૉ.મિતેષ ભંડેરી સહિત જીએસડીએમ, કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરન્મેન્ટ એન્ડ વોટરના પ્રતિનિધિશ્રીઓ તેમજ વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ ડિઝાસ્ટર મામલતદારશ્રીની કચેરી દ્વારા જણાવાયું છે.

(9:43 AM IST)