તા. ૧૦ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૫ શનિવાર
News of Wednesday, 30th April 2025
જૂનાગઢમાં 50 કરોડની 16,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરવા મેગા ડિમોલિશન
ઉપરકોટ પાછળ ધારાગઢ વિસ્તારમાં વહેલી સવારથી પોલીસ અધિકારીઓ સહિત 2000 જવાનો નો કાફલો તૈનાત : કલેકટર અનિલ રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની ટીમ દ્વારા કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) : જુનાગઢ તા. 30 : જૂનાગઢમાં ઉપરકોટ પાછળ ધારાગઢ વિસ્તારમાં વહેલી સવારથી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને રૂપિયા 50 કરોડની કિંમતની 16,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવાની કાર્યવાહી શરૂ કરાયેલ છે.
ડિમોલિશન સ્થળ પરથી પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, જુનાગઢ શહેરમાં ઉપરકોટ કિલ્લાની પાછળ આવેલ ધારાગઢ વિસ્તારમાં વહેલી સવારથી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. અગાઉ દબાણકારોને મોટી આપવામાં આવી હતી. પરંતુ કોઈ આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવતા આખરે આજે સવારથી કલેકટર અનિલ રાણાવસીયાની સુચના અને માર્ગદર્શન સાથે 10 જેસીબી 10 ટેકટર સહિતની મશીનરી સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 59 જેટલા ગેરકાયદેસર મકાનો પ્રથમ તબક્કામાં દૂર કરવામાં આવશે. હાલ 16000 ચોરસ મીટર ની જગ્યા ખુલી કરવાનું શરૂ કરાયું છે. તેની બજાર કિંમત રૂપિયા 50 કરોડથી વધુની થાય છે.
ચરણસિંહ ગોહિલે વધુમાં કહ્યું હતું કે, સ્થળ પર કાયદો વ્યવસ્થા સુરક્ષા જળવાઈ રહે તે માટે 3 ડીવાયએસપી, 9 પોલીસ ઇન્સ્પેક્ટર, 26 પોલીસ સબ ઇન્સ્પેક્ટર 2000 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડીમોલિશનની કાર્યવાહી બે દિવસ સુધી ચાલશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાગઢ વિસ્તારમાં છેલ્લા બે દાયકાથી વધુ રહેણાં મકાનો સહિતના બાંધકામ ગેરકાયદેસર બનાવવામાં આવ્યા હતા. દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
