<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

હળવદ યાર્ડમાં ૧૦.૪૪ કરોડનો ચુનો લગાવીને પેઢીના ઉઠમણાની ચર્ચાથી ચકચાર

આ પેઢીએ યાર્ડના નિયમ મુજબ ૧પ થી ર૦ દિવસથી પેમેન્‍ટ ચુકવ્‍યું નથી

(દિપક જાની દ્વારા) હળવદ તા.૩૦: માર્કેટ યાર્ડ માં લોક મુખે થતી ચર્ચા  અનુસાર યાર્ડમાં આવેલ ૯૧ નંબરની દુકાન ક્રિષ્‍ના એન્‍ટરપ્રાઈઝના માલિક મનીષભાઈ પટેલ અને તેમની નીચે કામ કરતા જે.ડી. લોરીયા દ્વારા સૌથી વધુ જીરૂની ખરીદી કમિશન એજન્‍ટો પાસેથી કરી હતી.જુદી જુદી પેઢીઓનું તેમની પાસે થી  રૂ.૧૦.૪૪ કરોડનું લેણું નીકળે છે.માર્કેટ યાર્ડનો નિયમ છે કે કોઈ પેઢી લે વેચ કરે તેને દિવસ ૩માં પેમેન્‍ટ ચૂકવી દેવાનું હોય છે. જો આવું ન થાય તો એના લેટર પેડ ઉપર યાર્ડને રજુઆત કરવાની હોય છે.

ત્‍યારબાદ યાર્ડ આગળની કાર્યવાહી કરે છે. કમિશનર એજન્‍ટોના નિયમ મુજબ ૭ દિવસની અંદર એકબીજાને પેમેન્‍ટ આપી દેવાનુ હોય છે.પણ આ પેઢીએ છેલ્લા ૧૫થી ૨૦ દિવસથી કોઈને પેમેન્‍ટ ચૂકવ્‍યુ નથી. ઉપરાંત પેઢી બંધ કરી દેવાય છે

જો કે પેઢીઓ અને એજન્‍ટો એ આટલા દિવસ થયા છતાં મોડેથી આ અંગે જાણ કરી છે.માર્કેટ યાર્ડ દ્વારા પૈસા ભરપાઈ ન કરનાર પેઢીને નોટિસ આપી હતી અને  જવાબ તેમજ આધાર પુરાવા રજૂ કરવા જણાવ્‍યું છે. જો આ પેઢી જવાબ રજૂ નહિ કરે તો યાર્ડ એકતરફી નિર્ણય કરશે તેવું જણાવાયુ છે.

 ઘટનાને પગલે માર્કેટ યાર્ડમાં  સતત બે  દિવસ  બંધ રહ્યું હતું.  હરાજીનું કામ બંધ હોવાથી ખેડૂતોને ફટકો પડ્‍યો છે.  ઉલ્લેખનીય છે કે આ જ પેઢી દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી પણ મોટા પ્રમાણમાં જણસ ખરીદી પૈસા ન ચુકવવામાં આવ્‍યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આ મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ તેવી પણ શકયતાઓ છે.

(11:33 AM IST)