<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

મોરબી ઝુલતા પુલ દૂર્ઘટના કેસમાંથી ડીસ્‍ચાર્જ કરી છોડી મુકવા તમામ આરોપીઓ દ્વારા થયેલ અરજીને કોર્ટે ફગાવી દીધી

૧૦ વર્ષની સજાની જોગવાઇવાળા ગુનામાં હળવી કલમોમાંથી છુટી જવાની આરોપીઓ માનસિકતા ધરાવે છે : સરકારી વકીલની દલીલો સ્‍વીકારીને કોર્ટે અરજી ફગાવી દેતા હવે કેસ ચાર્જશીટ કરી આગળ ચાલશે

(પ્રવિણ વ્‍યાસ/ જયેશ ભટ્ટાસણા દ્વારા) મોરબી, તા. ૩૦ : ૧૩૫ નિર્દોષ લોકોનો ભોગ લેનાર મોરબી ઝૂલતાપુલ દુર્ઘટનામાં અજંતા - ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ સહિતના તમામ આરોપીઓએ આઇપીસી કલમ ૩૦૪ અને ૩૦૮ના ગુન્‍હામાં નિર્દોષ છોડી મુકવા કરેલી અરજીની સુનાવણીમાં બન્ને પક્ષની દલીલો બાદ મોરબી કોર્ટે આરોપીઓ જન્‍મટીપ અને દસ વર્ષની સજાની જોગવાઈ વાળી કલમોમાંથી છૂટી જવા માંગતા હોવાનું અને અન્‍ય હળવી કલમો કે જેમાં ત્રણથી છ મહિનાની સજાની જોગવાઈ છે તેવી કલમો મુજબ કેસ ચલાવવાની માનસિકતા ધરાવતા હોવાનું નોંધી તમામ આરોપીઓની ડિસ્‍ચાર્જ અરજી ફગાવી દીધી હતી.

મોરબીમાં ઝૂલતાપુલ કેસમાં ૧૩૫ નિર્દોષ લોકોના મોત મામલે અજંતા ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ સહિતના ૧૦ આરોપીઓ વિરૂધ્‍ધ આઈપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૩૩૬, ૩૩૭, ૩૩૮ ને ૧૧૪ મુજબ નોંધાયેલી ફરિયાદ બાદ કોર્ટમાં સૂચિત તહોમતનામું રજૂ કરવામાં આવ્‍યા બાદ તમામ આરોપીઓએ અલગ અલગ પાંચ અરજી કરી તેમની સામે નોંધવામા આવેલ કલમો મુજબ ગુનો બનતો ન હોવાનો દાવો કરી આઇપીસી કલમ ૩૦૪ તેમજ ૩૦૮માંથી મુક્‍ત કરવા ડિસ્‍ચાર્જ અરજીઆ નવેમ્‍બર ૨૦૨૪માં કરી હતી.

સમગ્ર મામલે દસ આરોપીએ ચાર વકીલ મારફતે કોર્ટમાં અલગ-અલગ પાંચ ડિસ્‍ચાર્જ અરજી દાખલ કર્યા બન્ને પક્ષે દલીલો કરવામાં આવતા સરકારપક્ષે આરોપીઓ જન્‍મટીપ અને દસ વર્ષની સજાની જોગવાઈ વાળી કલમોમાંથી મુક્‍તિ માંગી છે જ્‍યારે ત્રણથી છ મહિનાની સજાની જોગવાઈ મુજબની કલમોમાં આરોપીઓએ એટલો સમય જેલમાં ગાળી લીધો હોય હવે આ હળવી કલમો મુજબ કેસ ચલાવી મુક્‍ત થવાના ઇરાદે જ અરજી કર્યાની દલીલ કરતા કોર્ટે સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલો ધ્‍યાને લઈ તમામ આરોપીઓની ડિસ્‍ચાર્જ અરજી ફગાવી દીધી હતી. વધુમાં ડિસ્‍ચાર્જ અરજીનો નિકાલ થતા હવે ચાર્જ ફ્રેમ થયા બાદ ઝૂલતાપુલ કેસ આગળ ચાલશે તેમ સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્‍યું હતું.

બીજી તરફ ઝૂલતાપુલ કેસમાં વિકટીમ એસોસિએશન અને અન્‍ય એક વ્‍યક્‍તિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં તત્‍કાલીન જિલ્લા કલેકટર અને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના સત્તાધીશો સામે પણ ગુન્‍હો નોંધ કરેલી અરજી એડમિટ થઈ હોય સુપ્રીમ કોર્ટની અરજીની વિગતો પણ ચારબી કોર્ટમાં રજૂ કરવામાં આવી હોવાનું જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્‍યું હતું.

(11:33 AM IST)