<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

ન્‍યારાના પાટીયે દેશીભાણુ હોટેલના કર્મચારીનું સ્‍કોર્પિયોની ઠોકરે મોત

મુળ પેટલાદનો ૩૧ વર્ષનો જીતુ બે વર્ષથી અહિ કામ કરતો હતોઃ હોટલ પાસે ચાલીને જતો હતો ત્‍યારે બનાવઃ ત્રણ દિકરીએ પિતાનું છત્ર ગુમાવ્‍યું

રાજકોટ તા. ૩૦: પડધરી નજીક ન્‍યારાના પાટીયા પાસે આવેલી દેશીભાણુ નામની હોટલમાં રહી ત્‍યાં જ નોકરી કરતો મુળ બિહારનો યુવાન રાતે હોટલ નજીક સ્‍કોર્પિયોની ઠોકરે ચડી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ મુળ આણંદના પેટલાદ તાબેના જોગણજગદીશપુરા ગામનો વતની જીતુભાઇ મોહનભાઇ કોલી (ઉ.વ.૩૧) બે વર્ષથી પડધરીના ન્‍યારાના પાટીયે આવેલી દેશીભાણુ હોટલમાં રહી ત્‍યાં જ કામ કરતો હોઇ ગત રાતે તે હોટલ નજીક કોઇ કામ માટે ચાલીને જતો હતો ત્‍યારે કાળા રંગની સ્‍કોર્પિયો કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, ભગીરથસિંહે પડધરી પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્‍યુ પામનાર જીતુભાઇ એક બહેનથી મોટો અને પરિવારનો આધારસ્‍તંભ હતો. તેને સંતાનમાં ત્રણ પુત્રી છે અને હાલમાં પણ પત્‍નિ સગર્ભા છે. આ બનાવથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. પડધરી પોલીસે અકસ્‍માત સર્જનાર સ્‍કોર્પિયો ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.

(11:39 AM IST)