News of Thursday, 1st May 2025
જામનગરના રણમલ તળાવની ડિજિટલ ઘડિયાળને નવું રંગરૂપ : રેડિયમ પટ્ટા સાથે આકર્ષક નજારો
મનપા દ્વારા બ્યુટિફિકેશન કાર્ય હાથ ધરાયું : 'આઈ લવ રણમલ લેક'ના રંગીન લાઈટવાળા અક્ષરો પણ ટૂંક સમયમાં આકર્ષણ જમાવશે

જામનગર તા. ૧: જામનગરના હૃદય સમાન રણમલ તળાવ ખાતે સ્પોર્ટ સંકુલના માર્ગે સ્થાપિત વિશાળ ડિજિટલ ઘડિયાળને હવે નવું અને આકર્ષક રંગરૂપ આપવામાં આવ્યું છે. વર્ષ 2017થી અવિરત કાર્યરત આ મોટા કાંટાવાળી ડિજિટલ ઘડિયાળ, જે જીપીએસ સિસ્ટમ દ્વારા સંચાલિત છે, તેને વધુ સુંદર બનાવવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા બ્યુટિફિકેશનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ઝાલાના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની તેમજ પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાના રાજીવ જાની સહિતની ટીમ આ સમગ્ર કામગીરી કરી રહી છે. ઘડિયાળની આસપાસ લેન્ડસ્કેપિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે ઘડિયાળના કાંટા પર રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા છે, જે રાત્રિના સમયે વાહનોની લાઈટમાં પણ દૂરથી સ્પષ્ટ દેખાશે. આ ઉપરાંત, અન્ય આકર્ષક લાઈટો પણ લગાવવામાં આવી છે, જેના કારણે ઘડિયાળનો નજારો ખૂબ જ સુંદર બની ગયો છે.
હાલમાં આ ઘડિયાળને સજાવવા માટે અંદાજે પોણા બે લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ, જામનગરની શોખીન જનતા રણમલ તળાવની વધુ પ્રશંસા કરે તે માટે 'આઈ લવ રણમલ લેક' નામના રંગીન લાઈટિંગવાળા અક્ષરો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે ટૂંક સમયમાં કાર્યરત થશે. આ અત્યાધુનિક ડિજિટલ અને કલરફુલ ઘડિયાળ શહેરની જનતા માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર બનશે.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
