<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

નોકરી શોધવા રાજસ્‍થાનથી વાંકાનેર આવ્‍યાના પહેલા જ દિવસે યુવાનનું કારની ઠોકરે મોત

સિકંદર ખાન નામનો ચોત્રીસ વર્ષનો યુવાન ચંદ્રપુર યાર્ડ પાસે હોટેલમાં જમીને રસ્‍તો ઓળંગતો હતો ત્‍યાં કારની ઠોકરે ચડી ગયોઃ રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૨: વાંકાનેરના ચંદ્રપુરના માર્કેટ યાર્ડ નજીક રસ્‍તો ઓળંગી રહેલા રાજસ્‍થાનના યુવાનનું કારની ઠોકરે ચડી જતાં મોત થયું છે. ગઇકાલે જ તે નોકરીની શોધ માટે વાંકાનેર આવ્‍યો હતો. રાતે હોટલમાં જીમને બહાર નીકળી રોડની સામેની તરફ જતો હતો ત્‍યાં પુરપાટ ઝડપે આવેલી કારની ઠોકરે ચડી ગયો હતો અને સારવારમાં દમ તોડી દીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ રાજસ્‍થાન રહેતો સિકંદર અબ્‍બાસભાઇ ખાન (ઉ.વ.૩૪) રાતે સાડા અગિયારેક વાગ્‍યે વાંકાનેરના ચંદ્રપુર યાર્ડ નજીક વતન હોટલ સામે રસ્‍તો ઓળંગતો હતો ત્‍યારે કારની અડફેટે આવી જતાં ગંભીર ઇજા થઇ હતી. તેને વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ વહેલી સવારે મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ભગીરથસિંહ, ધર્મેન્‍દ્રભાઇએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતાં પોલીસે રાજકોટ પહોંચી કાર્યવાહી કરી હતી.

સિકંદર ખાન ટ્રક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. હાલમાં તેના વતનમાં કામ ન હોઇ પરિચીત મારફત તે ગઇકાલે જ નોકરી-કામની શોધમાં વાંકાનેર આવ્‍યો હતો. અહિ રાતે હોટલમાંથી જમીને બહાર આવ્‍યા બાદ રસ્‍તો પસાર કરતી વખતે કારની ઠોકરે ચડતાં કમકમાટીભર્યુ મોત થયું હતું. (૧૪.૫)

(11:02 AM IST)