<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

બાબરાના ઉદ્યોગપતિ સાથે કુદરતની ક્રુરતાઃ સવારે પિતા-પુત્રને સાંજે પુત્રવધુને કાંધ આપી

એકતાબેનનો સિમંતનો પ્રસંગ હોય પરીવારમાં આનંદની જગ્‍યાએ માતમ છવાયોઃ એકતાબેનના પીયરયા પીયર તેડી જવાના હતા પણ એકતાબેન લાંબા ગામતરે જતા રહ્યા બાબરાના ઉદ્યોગપતિ પરિવારના ત્રણ ત્રણ સભ્‍યોની અંતિમયાત્રામાં હૈયાફાટ રૂદનઃ ડાઘુઓ પણ અશ્રુ ન રોકી શકયા

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા. ૨ :.. અમરેલી જિલ્લાના મતીરાળા ગામના વતની અને હાલ બાબરા રહેતા જિનિંગ, સ્‍પિનિંગ, ઓઈલ મીલ સહિતના વ્‍યવસાય સાથે જોડાયેલા પાટીદાર મોભી બોરસાણીયા પરિવારની કારને વલભીપુર પાસે અકસ્‍માત નડતા પરિવારના મોભી બાદ પૌત્ર અને પૌત્રવધુનું મોત થતા પરિવારમાં હૈયા ફાટ રુદન સાથે દુઃખની કાલીમાં છવાઈ ગઈ છે આ બનાવથી કડવા પાટીદાર સમાજ સહિત બાબરા પંથકમાં શોક છવાઈ ગયો છે.

બાબરાના દયારામ પાર્ક સોસાયટીમાં રહેતા પાટીદાર ઇન્‍ડસ્‍ટ્રીઝ વાળા જીતુભાઈ બોરસાણીયાના પિતા ભુપતભાઈ ઉં.વર્ષ ૮૦ પુત્ર જયભાઈ ઉં.વર્ષ ૩૦ અને પુત્રવધુ એકતાબેન ઉ.વર્ષ ૨૮ અમદાવાદથી એકતાબેનનો બે દિવસ પછી સિમંતનો પ્રસંગ હોય બાબરા આવતા હતા આ દરમિયાન વલભીપુર પાસે ટ્રક સાથે કાર અથડાતા એક પછી એક ત્રણેયના મોત થયા હતા.

ગઈકાલે સવારે પરિવારજનો, સમાજના આગેવાનો તેમજ સગા સંબંધીઓ,વેપારી મિત્રોની વિશાળ હાજરીમાં સવારે ભુપતભાઈ અને જયભાઈની સ્‍મશાનયાત્રા નીકળી હતી.

એક પિતા માટે યુવાન પુત્રને કાંઘ આપવી એ સૌથી કપરો અને અઘરો સમય હોય છે ત્‍યારે ઉદ્યોગપતિ જીતુભાઈને યુવાન પુત્રની સાથે પિતાને પણ કાંઘ આપવી પડી હતી !

એકતાબેનની તબિયત ગંભીર હોય તેમને ભાવનગર દાખલ કરવામાં આવ્‍યા હતા બાબરા ખાતે  દાદા અને પૌત્રની અંતિમ ક્રિયા ચાલતી હતી એ દરમિયાન એકતાબેનનું પણ સારવાર બાદ મોત થયાનું જાણવા મળતા પરીવાર જનો અને ડાઘુઓ પણ સ્‍તબ્‍ધ થઈ ગયા હતા સવારે દાદા અને પૌત્રની અંતિમવિધિ પુરી થયા  બાદ સાંજે સગર્ભા એકતાબેનની સ્‍મશાન યાત્રા નીકળતા હૈયા ફાટ રુદન થવા લાગ્‍યા હતા ઉપસ્‍થિત અનેક લોકોની સ્‍થિતિ કોણ કોને છાના રાખે તેવી થઈ ગઈ હતી.

આ બનાવથી કડવા પાટીદાર સમાજ,બહોળું વ્‍યાપારિક અને મિત્ર વર્તુળ ધરાવતા ઉદ્યોગપતિ જીતુભાઈના પરિવારજનોમાં ઘેરો શોક છવાઈ ગયો છે.

સદગતનું બેસણું આજે સવારે ૮ થી સાંજે ૬ વાગ્‍યા સુધી અને આવતીકાલે સવારે ૮ થી બપોરના ૧૧ સુધી દલસાણીયા સમાજની વાડી બાબરા ખાતે રાખેલ છે.

(11:49 AM IST)