<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

સાવધાન! ભુજમાં WhatsApp હેક થવાના બનાવોથી ચકચાર : પરિચિતના મેસેજથી પણ ચેતજો!

ઓટીપી માંગતા મેસેજથી સાવધાન રહેવા અને કોઈપણ માહિતી આપતા પહેલા ખાતરી કરવા ભુજના નાગરિકોને અપીલ : સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અને પોલીસનો સંપર્ક કરવા સૂચના

વિનોદ ગાલા દ્વારા, ભુજ : ભુજમાં WhatsApp એકાઉન્ટ હેક થવાના બનાવો સામે આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના કેટલાક જાણીતા લોકોના WhatsApp એકાઉન્ટ હેક થયા હોવાના સમાચાર મળ્યા છે, જેને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને, હેકર્સથી સાવધાન રહેવા માટે તાકીદના મેસેજ પણ ફરતા થયા છે.
ભુજના નાગરિકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે જો તેમને કોઈ પરિચિત વ્યક્તિના નામે પણ ઓટીપી (OTP) માંગતો WhatsApp મેસેજ આવે તો તાત્કાલિક સાવધ થઈ જવું. જો કોઈ પરિચિત વ્યક્તિના નામે શંકાસ્પદ મેસેજ આવે અથવા કોઈ ગરબડ જેવું લાગે તો પ્રથમ તે વ્યક્તિ સાથે ફોન પર વાત કરીને ખાતરી કરવી જરૂરી છે કે મેસેજ તેમણે જ મોકલ્યો છે કે કોઈ હેકરે તેમના એકાઉન્ટનો ઉપયોગ કર્યો છે.
આ ઉપરાંત, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે ફોન દ્વારા કે મેસેજ કરીને કોઈ પણ વ્યક્તિ ઓટીપી નંબર માંગે તો ભૂલથી પણ તે આપવો નહીં. ઘણીવાર એવું બની શકે છે કે ઓટીપી તમારા અંગત મિત્ર કે સગાના નામે માંગવામાં આવ્યો હોય, પરંતુ હકીકતમાં તે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમના નામ અને WhatsApp નંબરનો ઉપયોગ કરીને માંગવામાં આવ્યો હોય.
એવી પણ શક્યતા છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ (ફેક કરનારે) કોઈપણના નામે ગમે તેવા મેસેજ કર્યા હોય. તેથી, મેસેજથી કોઈપણ વાત માનતા પહેલા તેની ખાતરી કરવી અત્યંત જરૂરી છે અને કોઈએ પણ મેસેજના આધારે કોઈની સાથે મનદુઃખ ન કરવું. ઓટીપીથી હંમેશા સાવધાન રહેવું અને કોઈને પણ તે શેર ન કરવો. આવી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અને પોલીસનો સંપર્ક કરવો જોઈએ.
સરકાર તેમજ પોલીસ વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે કે અજાણી લિંક ડાઉનલોડ ન કરવી, અજાણ્યા નંબર પરથી WhatsApp પર આવતા ફોટા ડાઉનલોડ ન કરવા, બેંકના નામે કે લોનના નામે ઓટીપી શેર ન કરવા, તેમજ જોબ કે રોકાણના નામે અથવા ડિજિટલ એરેસ્ટના નામે પણ સાવધાન રહેવું. આજના સમયમાં મોબાઈલ ફોનમાં નાણાકીય વ્યવહારો અને અગત્યના દસ્તાવેજો પણ હોય છે, ત્યારે સાવધાન રહી આ તમામ સૂચનાઓ અંગે ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે.

 

(6:02 PM IST)