News of Friday, 2nd May 2025
ગોંડલ PNB ના હેડ કેશિયર અનોપસિંહ ચુડાસમાની અપ્રતિમ પ્રમાણિકતા : ગ્રાહકને ₹10,000 પરત કર્યા
ભૂલથી વધુ અપાઈ ગયેલી રકમ સજાગતાથી શોધી ગ્રાહકને પરત કરી ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું : 18 વર્ષથી વધુ સમય સુધી દેશની સેવા કરનાર અને 7 મેડલ મેળવનાર પૂર્વ ફૌજીની કર્તવ્યનિષ્ઠાને બિરદાવવામાં આવી

ગોંડલ: તાજેતરમાં ગોંડલની પંજાબ નેશનલ બેંક (PNB) શાખામાં એક અદ્ભુત ઘટના સામે આવી છે, જેમાં બેંકના હેડ કેશિયર અનોપસિંહ ચુડાસમાએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક ગ્રાહકે બેંકમાં વ્યવહાર દરમિયાન ભૂલથી દસ હજાર રૂપિયા વધારે ચૂકવી દીધા હતા, જેની જાણ ખુદ ગ્રાહકને પણ નહોતી.
જો કે, બેંકના સજાગ હેડ કેશિયર અનોપસિંહ ચુડાસમાએ તુરંત જ આ બાબતની નોંધ લીધી અને ગ્રાહકનો સામેથી સંપર્ક કર્યો. તેમણે ગ્રાહકને વધારે આવેલા દસ હજાર રૂપિયા પરત કરીને પોતાની નિષ્ઠા અને ઈમાનદારીનો પરિચય કરાવ્યો હતો. તેમની આ પ્રમાણિકતાની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
આ તકે ગર્વથી એ નોંધ લેવી જરૂરી છે કે અનોપસિંહ ચુડાસમાએ દેશની સેવામાં પણ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેઓએ ભારતીય સેનામાં 18 વર્ષથી વધુ સમય સુધી દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવીને 7 મેડલ પ્રાપ્ત કરવાનું ગૌરવ મેળવ્યું છે. આ ઉપરાંત, તેઓ વર્ષોથી ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે, જે તેમના સેવાભાવ અને કર્તવ્યનિષ્ઠાને દર્શાવે છે. એક પૂર્વ ફૌજી દ્વારા બેંકમાં દાખવવામાં આવેલી આ પ્રમાણિકતા ખરેખર પ્રેરણાદાયી છે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
