તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Friday, 2nd May 2025
જામનગર ઉદ્યોગનગરમાં ગેસ ગળતરથી ૪ કામદારો પ્રભાવિત : એકની હાલત ગંભીર
સેફ્ટી ટેન્ક સાફ કરતી વખતે ગેસ ગળતર થતાં શનિ રમેશભાઈ વાઘેલાને ગંભીર હાલતમાં જીજી હોસ્પિટલમાં ખસેડાયા : રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયનના આગેવાનો ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં હાજર રહ્યા

જામનગર: જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં આજે એક દુઃખદ ઘટના બની હતી, જેમાં એક ફેક્ટરીમાં સેફ્ટી ટેન્કની સફાઈ કરતી વખતે ગેસ ગળતર થવાના કારણે ચાર કામદારો પ્રભાવિત થયા હતા. આ ઘટનામાં શનિ રમેશભાઈ વાધેલા નામના કામદારની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયનના ઉપાધ્યક્ષ અમિતભાઈ પરમાર અને જામનગર શહેર પ્રમુખ મહેશભાઈ બાબરીયા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં પણ પીડિતો અને તેમના પરિવારજનો સાથે રહ્યા હતા. યુનિયનના આગેવાનોએ પીડિતોના પરિવારજનોને તમામ સંભવિત મદદ અને કાયદેસરની કાર્યવાહીમાં સહકાર આપવાની ખાતરી આપી હતી.
શનિ રમેશભાઈ વાધેલાની ગંભીર હાલતને જોતા તબીબો દ્વારા તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે. અન્ય ત્રણ કામદારોને પણ ગેસની અસર થઈ છે અને તેઓ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયનના આગેવાનોએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ફેક્ટરીમાં સલામતીના નિયમોની ચુસ્તપણે પાલન કરવાની માંગ કરી છે. તેમણે આ ઘટનાની તટસ્થ તપાસ થાય અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી કરી છે. યુનિયન દ્વારા પીડિતોના પરિવારજનોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. (તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
