<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

ગાંધીધામમાં બુટલેગરે પોલીસ ઉપર હુમલો કરી ઉડાવી દેવાની ધમકી આપી

બુટલેગરના માણસ પાસેથી બિયર ખરીદનાર સગીર કિશોરને પોલીસે ઝડપ્યો હતો જોકે બુટલેગરનો માણસ ઝડપાયો ન્હોતો છતાયે પોલીસને જાહેરમાં આપી ધમકી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩

 ગુજરાતમાં માથાભારે તત્વોને કાયદાનો કે પોલીસનો જાણે ડર ન હોય અને તેઓ બેલગામ અને બેખોફ બની ગયા હોય એવા બનાવો સામે આવી રહ્યા છે. પૂર્વ કચ્છના ગાંધીધામમાં પોલીસ ઉપર હુમલો કરી બુટલેગર મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા વિઠુભા વાઘેલાએ જાહેરમાં પોલીસને આપેલી ધમકીએ કાયદાના રક્ષકો અને ખાખીની શાખ સામે અનેક સવાલો સર્જ્યા છે. ગાંધીધામના પડાણા પાસેના હાઇવે રોડ ઉપર પંજાબ હોટેલના પાર્કિંગ પાસે સર્વિસ રોડ ઉપર જાહેરમાં જયપાલસિંહ ફતુભા જાડેજા મોપેડ ઉપર કેફી પીણું વેંચી રહ્યો હતો. ત્યારે તેની પાસેથી બિયરના ત્રણ ટીન ખરીદનાર સગીર કિશોરને પોલીસ મોબાઇલ એ ઝડપ્યો હતો. જોકે, બુટલેગરનો માણસ પોલીસની નજર પાસેથી નાસી છૂટ્યો હતો. દરમ્યાન પોતાની કારથી બુટલેગર મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા વિઠુભા વાઘેલાએ પોલીસ જીપને આંતરી ઊભી રાખી પોલીસ કર્મીઓને ધાકધમકી કરી ઝપાઝપી કરી પોતાની પાસેથી બિયર ખરીદનાર ગ્રાહકને પકડ્યો જ કેમ? એવો પોલીસને પડકાર ફેંકી પોલીસને ઉડાવી દેવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી. જોકે, પોલીસે બુટલેગરને ઝડપી લઈ ખાખી વર્દીની લાજ રાખી હતી. પરંતુ કેફી પીણું જાહેરમાં વેચાય અને એ ખરીદનાર ગ્રાહકોને પણ પોલીસ ન પકડે એવી ધમકી બુટલેગર જાહેરમાં આપે એ હકીકત ઊંડી તપાસ માંગી લે છે. સરહદી જિલ્લામાં પોલીસની ધાક રાષ્ટ્રની સુરક્ષા માટે જરૂરી છે.

(12:06 PM IST)