News of Saturday, 3rd May 2025
જસદણના કિશોરભાઈ ગોસાઈ સહિતના કાશ્મીરથી સલામત રીતે નંદપ્રયાગ પહોંચ્યા

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૩ : જસદણના કિશોરભાઈ ગોસાઈ સહિતના ભક્તો કાશ્મીરમાં મોરારીબાપુની કથામાં ગયા હતા. આતંકવાદી હુમલાબાદ તેઓ સલામત રીતે નંદ પ્રયાગ પહોંચ્યા છે.
જસદણના ધોળેશ્વર મંદિરના કિશોરગીરી ગોસાઈ બોટાદના તેમના સંબંધી કેતનભાઇ જોશી સાથે જસદણથી નીકળીને શ્રીનગર ખાતે મોરારીબાપુની કથામાં ગયા હતા. પહેલગામમાં જે જગ્યાએ આતંકવાદી હુમલો થયો ત્યાંથી માત્ર ૮૦ કિમીના અંતરે આ બંને ભક્તો કથા સાંભળી રહ્યા હતા.
આતંકવાદી હુમલો થયો એ દિવસે તેઓ પહેલગામ જવાનો વિચાર કરતા હતા પરંતુ કથા પૂર્ણ થયા બાદ પહેલગામ જવાનું નક્કી કર્યું હતું અને વચ્ચે પહેલગામ જવાનું બંધ રાખ્યું હતું આથી તેઓનો આબાદ બચાવ થયો હતો. દરમિયાન કથા અધ વચ્ચેથી બંધ થતા આ બંને ભક્તો બે દિવસ સુધી હોટલમાં જ પુરાઈ રહ્યા હતા ત્યારબાદ ત્યાંથી સલામત રીતે વાહન દ્વારા નંદપ્રયાગ પહોંચ્યા હતા. હવે તેઓ શનિવારથી નંદપ્રયાગ ખાતે શરૂ થતી મોરારીબાપુની કથામાં ભાગ લેશે. કિશોરભાઈ તથા કેતનભાઇએ જણાવ્યું હતું કે અમે તો રામકથા કરવા માટે ગયા હતા માટે રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત મુજબ અમે સંપૂર્ણ સલામત છીએ. નંદ પ્રયાગ ખાતે કથા પૂર્ણ થયા બાદ તેઓ જસદણ પરત ફરશે. કેતનભાઇ જોશી અને કિશોરભાઈ ગોસાઈ સહિતની ટીમ સમગ્ર ભારતમાં જ્યાં પણ મોરારીબાપુની કથા હોય ત્યાં જાય છે અને આખી કથા સાંભળે છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
