<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

માળીયામિંયાણા ખાખરેચી પાસે પેપર મીલમાં લાગેલ આગ કાબુમાં લેવા પ્રયાસ : કરોડોનું નુકશાન

રવિવારે બપોરે લેમીટ પેપર મીલમાં આગ ભભુકયા બાદ હજુ કાબુમાં આવી નથી : મીલમાં પડેલ ૧૨ હજાર ટન પેપર વેસ્‍ટનો માલ બળીને ખાક

મોરબી, રાજકોટ, હળવદ અને ધ્રાંગધ્રાના ફાયરબ્રિગેડ સ્‍ટાફ દ્વારા આગને કાબુમાં લેવા પ્રયાસ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૫: મોરબીમાં અણીયારી ટોલનાકા નજીક આવેલ પેપર મિલના ગોડાઉનમાં પડેલ વેસ્‍ટ પેપર ના જથ્‍થામાં ગઈકાલે બપોરે ચારેક વાગ્‍યાના અરસામાં આગ લાગી હતી જેને કાબુમાં લેવા માટે મોરબી મહાપાલિકાના ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો જેથી બહારથી ફાયરના વાહનોને આવ્‍યા હતા અને આગને કાબુમાં લેવા માટેના ફાયર વિભાગ દ્વારા પ્રયત્‍નો શરૂ કરવામાં આવ્‍યા હતા જો કે, ચાર કલાક પછી પણ આગ બેકાબુ હતી અને આગને કાબુમાં આવતા હજુ ૨૪ કલાક જેટલો સમય લાગે તેવી શકયતા સેવાઇ રહી છે અને આ આગથી કારખાનેદરને કરોડો રૂપિયાનું નુકસાન થશે તે નિશ્‍ચિત છે.

મોરબી જિલ્લાના માળિયા તાલુકા ના ખાખરેચી ગામના સીમ વિસ્‍તારમાં અણીયારી ટોલનાકા પાસે આવેલ લેમિટ પેપર મિલનો વેસ્‍ટ પેપર રાખવા માટેના કાસ્‍વા ટાઇલ્‍સનો શેડ ગોડાઉન તરીકે ભાડે રાખ્‍યો હતો જેમા રવિવારે બપોરના ચારેક વાગ્‍યાના અરસમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની છે અને જોત જોતામાં વેસ્‍ટ પેપરનો મોટો જથ્‍થો આગની ઝપેટમાં આવી ગયો છે જેથી કરીને આ અંગેની મોરબી, રાજકોટ, હળવદ, રાજકોટ અને ધાંગધ્રા ના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી.

હરગોવિંદભાઇ પરમાર, મામલતદાર, માળીયા (મી) એ જનાવ્‍યુ હતુ કે, હાલમાં લેમિટ પેપર મિલ કારખાનાના ભાડે રાખેલ ગોડાઉનમાં આગ લાગેલ છે જેને કાબુમાં કરવા માટે છેલ્લી ચાર કલાકથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે જોકે, આગ કાબુમાં આવેલ નથી અને આખુ ગોડાઉન આગની જપેટમાં આવી ગયુ છે અને કરખાનાના ડીરેકટરના કહેવા મુજબ ૧૨ હજાર ટન જેટલો પેપર વેસ્‍ટનો માલ પડ્‍યો હતો જે આગ સમયસર કાબુમાં ન આવતી બળીને ખાખ થઇ ગયેલ છે અને હાલમાં નુકશાનીનો આંકડો કહેવો મુશકેલ છે જો કે, કરોડનું નુકસાન થશે તેમાં શંકાને કોઇ સ્‍થાન નથી.

 રાજેશભાઇ પટેલ, ડીરેકટર, લેમિટ પેપર મિલ માળીયાએ જણાવ્‍યુ હતુ કે, મોરબી જિલ્લામાં અગાઉ પણ કારખાનાઓમાં આગ લાગી હોય અને કારખાનેદારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય તેવી ઘટનાઓ બની ચૂકી છે તેમ છતાં પણ સ્‍થાનિક લેવલે ફાયરની અદ્યતન સુવિધાઓ સરકાર દ્વારા ઉપલબ્‍ધ કરાવવામાં આવી નથી જેથી કરીને બીજા જિલ્લાઓમાંથી ફાયરના વાહનો આવે ત્‍યાં સુધી કારખાનેદાર સહિતના લોકોએ પોતાની માલમિલકત પોતાની નજર સામે બળીને ખાખ થતી હોય તે જોવા સિવાય બીજો કોઈ વિકલ્‍પ રહેતો નથી તેવો જ ઘાટ આજે માળિયા તાલુકાના ખાખરેચી ગામની સીમમા પેપર મિલમાં લીગેલ આગમાં જોવા મળ્‍યો હતો અને આ આગને કાબુમાં લાગતા હજુ પણ લગભગ ૨૪ કલાક જેટલો સમય લાગશે તેવું ફાયરનો સ્‍ટાફ જણાવી રહ્યો છે.

(1:45 PM IST)