<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

કચ્છમાં ક્યાંક ધૂળની ડમરી સાથે મીની વાવાઝોડું, ક્યાંક કરા સાથે ગાજવીજ-કમોસમી વરસાદ

વૈશાખની ભીષણ ગરમી વચ્ચે એકાએક વરસાદી માહોલ : ઘણી જગ્યાએ લગ્નના મંડપ ઉખડી ગયા, ઝાડ રોડ ઉપર પડી જવાના અને લાઈટ ગુલ થતા અંધારપટ છવાઈ જવાની ફરિયાદો વચ્ચે ખેડૂતોને પણ મોટું નુકસાન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ :  ગઈકાલથી હવામાન વિભાગની વાતાવરણમાં આવનાર પલટાની ચેતવણી અને સરકારે આપેલા હાઇએલર્ટ દરમ્યાન કચ્છમાં ભીષણ ગરમી વચ્ચે એકાએક વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં હવામાનના પલટાનો અનુભવ થયો હતો. રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બરફના મોટા કરા પડ્યા હતા. સરેરાશ એક થી દોઢ ઇંચ વરસાદ સાથે રાપર શહેર અને તા.ના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા હતા. રાત્રે ગાજવીજ, વરસાદ સાથે ભારે પવનના સુસવાટા વચ્ચે રાપરમાં મીની વાવાઝોડું ત્રાટક્યું હતું. ઘણી જગ્યાએ લગ્નના મંડપ ઉખડી ગયા હતા ઝાડ રોડ ઉપર પડી જવાના અને લાઈટ ગુલ થતા અંધારપટ છવાઈ જવાની ફરિયાદો વચ્ચે ખેડૂતોને પણ મોટું નુકસાન થયું હતું. ઉપરાંત ભચાઉ, ખાવડા, નખત્રાણા અને ભુજ પંથકમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. આજે પણ ગરમી વચ્ચે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. અનેક જગ્યાએ પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હોવાના સમાચાર છે.

(9:44 AM IST)