News of Wednesday, 7th May 2025
એક તો મીઠામાં મંદી ઉપરથી પડ્યા પર પાટુ તેમ માળિયા (મી.) પંથકના માવઠાથી મીઠા ઉદ્યોગને ફટકો
ભાવપર, સુરજબારી, હરિપર, બગસરા, જાજાસર વિસ્તારમાં વધારે નુકસાન : પીજીવીસીએલના ૧૦ વીજપોલ પણ ધરાશાયી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૭:મોરબી જિલ્લામાં માવઠા અને ભારે પવનને કારણે મીઠા ઉદ્યોગને પણ ફટકો પડયો છે. અગરિયાઓએ ભરઉનાળે કાળી મજૂરી કરીને પકવીને તૈયાર કરેલા મીઠાને પણ વ્યાપક નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગઈકાલે મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. માળિયા મિયાણા પંથકમાં પણ ઝાપટા પડયા હતા. જેને કારણે મિઠા ઉદ્યોગને ફટકો પડયો છે. આ અંગે મોરબી સોલ્ટ એસોસિએશનના પ્રમુખ દિલુભાએ જણાવ્યું કે ભાવ૫૨, સુરજબારી, હરિપર, બગસરા, જાજાસર વિસ્તારમાં મીઠા ઉદ્યોગને વધુ અસર છે. તૈયાર મીઠું હતું અને કયારામાં જે મીઠું હતું તેને નુકસાન થયું છે. હજુ પણ ઝાપટા ચાલુ છે. વરસાદ વિરામ લ્યે ત્યારબાદ ખ્યાલ આવશે કે કેટલું નુકસાન થયું છે.
બીજી તરફ માળિયા મિયાણા પંથકમાં પીજીવીસીએલને પણ નુકસાન થયું છે. આ અંગે પીજીવીસીએલના અધિકારી ડી.આર.ઘાડિયાએ જણાવ્યું કે હરિપર વિસ્તારમાં ૧૦ પોલ પડી ગયા હતા. તેમાં આગળની કાર્યવાહી ચાલુ છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
