<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

ધ્રાગધ્રામાં રસ્‍તો ઓળંગતો યુપીનો મજૂર રિક્ષાની હડફેટે ચડી ગયોઃ સુરેન્‍દ્રનગર જીલ્લામાં અકસ્‍માતના પાંચ બનાવઃ એકનું મોત- પાંચને ઇજા

વઢવાણ તા.૭: સુરેન્‍દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-સુરેન્‍દ્રનગર, ચોટીલા હાઈવે, વઢવાણ-લીંબડી રોડ, સાયલા-લીંબડી હાઈવે અને વઢવાણ-લખતર રોડ પર અકસ્‍માતના પાંચ જુદાં જુદાં બનાવ પોલીસ ચોપડે ચડયા છે.

યૂપીમાં રહેતો અર્જુન ફુલચંદભાઈ કોહલી ધ્રાંગધ્રા-સુરેન્‍દ્રનગર હાઈવે પર આવેલ એક ફેકટરીમાં મજુરી કામ કરતો હતો. ગત તા. ૨૪-૩ના રોજ રાત્રે તે રસ્‍તા પર જીવન જરૂરી ચીજવસ્‍તુ લેવા નીકળ્‍યો હતો.

ત્‍યારે રોડ ક્રોસ કરતા સમયે એક સીએનજી રિક્ષાએ અડફેટે લીધો હતો. જેમાં અર્જુનને માથાના ભાગે ઈજા થતા સારવાર માટે સુરેન્‍દ્રનગર અને ત્‍યાંથી અમદાવાદ લઈ જવાયો હતો. જયાં સારવાર દરમિયાન તા. ૧-૪ના રોજ અર્જુનનું મોત થયુ હતુ.ુ તપાસ એચસી એ.એ.મોરી ચલાવી રહ્યા છે.

ચોટીલા તાલુકાના મોટા કાંધાસર ગામે રહેતા ૩૯ વર્ષીય રાજાભાઈ કાનાભાઈ બાવળીયા ખેતી કરે છે. તા. ૩૦-૪ના રોજ રાત્રે તેઓ તેમના કાકા બુધાભાઈ બચુભાઈ બાવળીયાની રિક્ષામાં મોરબીથી મોટા કાંધાસર આવતા હતા. જેમાં રિક્ષા બુધાભાઈ ચલાવતા હતા. જયારે પાછળની સીટમાં રાજાભાઈ, કૌટુંબીક ભાઈ ગોવિંદભાઈ હરજીભાઈ બાવળીયા અને અજીતભાઈપ્રેમજીભાઈ બાવળીયા બેઠા હતા. ત્‍યારે ચોટીલા નેશનલ હાઈવે પર કનૈયા હોટલ નજીક ૩ રસ્‍તેથી થાન તરફથી આવતા ગેસના ટેન્‍કરે રિક્ષા સાથે અકસ્‍માત કરતા રિક્ષા પલટી મારી ગઈ હતી. જેમાં રાજાભાઈ અને ગોવિંદભાઈને ઈજા થતા સારવાર માટે કુવાડવાની હોસ્‍પિટલ લઈ જવાયા હતા. આ તપાસ એએસઆઈ આર.ડી.રાજૈયા ચલાવી રહ્યા છે.

 લીંબડીના મોરભાઈના ડેલામાં રહેતા ૪૬ વર્ષીય આશીષભાઈ ફુલ્લભાઈ ધ્રુવ લીંબડી શાક માર્કેટ પાસે પદ્માવતી કાપડનો શો રૂમ ધરાવે છે. તેઓનું એક મકાન સુરેન્‍દ્રનગરના બાપુનગરમાં હોવાથી તા. ૨૯-૪ના રોજ સાંજે તેઓ પત્‍ની દિપીકાબેનને લઈ બાઈક પર સુરેન્‍દ્રનગર આવ્‍યા હતા અને રાત્રે ૧ કલાકના અરસામાં બાઈક પર દંપતી પરત લીંબડી જતુ હતુ. ત્‍યારે વઢવાણ તાલુકાના નાના કેરાળા રોડ પર પાછળથી આવી રહેલી ફોર વ્‍હીલના ચાલકે બાઈક સાથે અકસ્‍માત કર્યો હતો. અને કાર ચાલક કાર લઈ નાસી છુટયો હતો. જેમાં દંપતીને ઈજા પહોંચતા સારવાર માટે સુરેન્‍દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્‍ડ હોસ્‍પીટલ લઈ જવાયા હતા. તપાસ એચસી અર્જુનસીંહ પરમાર ચલાવી રહ્યા છે.

 આ ઉપરાંત મુળ હળવદ તાલુકાના ઢવાણા ગામના ૩૭ વર્ષીય વિક્રમભાઈ દીલીપભાઈ પરમાર અમદાવાદના ઈસનપુર પોલીસ મથકમાં હેડ કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમના પિતા દિલીપભાઈની તબિયત નાદુરસ્‍ત હોઈ તેઓ બાઈક લઈને ઢવાણા ગયા હતા. જયાંથી અમદાવાદ પરત ફરતા તેઓને મૂળી કામ હોઈ ત્‍યાં ગયા હતા. જયાંથી સાયલા થઈને અમદાવાદ નેશનલ હાઈવે પર લીંબડી તરફ જતા હતા. ત્‍યારે બલદાણા પાસે રોંગ સાઈડમાં જેસીબી આવી જતા બાઈક સાથે અકસ્‍માત કર્યો હતો. જેમાં વિક્રમભાઈને જેસીબીના સુપડા સાથે અથડાતા ઈજાઓ પહોંચી હતી. આથી તેઓને સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા.  તપાસ એએસઆઈ યુ.બી. ગોહીલ ચલાવી રહ્યા છે. અને સુરેન્‍દ્રનગર-લખતર રૂટની બસ ઝમર પાસેથી પસાર થતી હતી. ત્‍યારે અચાનક કોઈ પશુ આડુ ઉતરતા ડ્રાઈવરે સ્‍ટીંયરીંગ પરનો કાબુ ગુમાવ્‍યો હતો. આથી બસ રસ્‍તાની સાઈડમાં ઉતરી ગઈ હતી. આ બનાવમાં ડ્રાઈવર કાનાભાઈ રબારી, કંડકટર કનકસીંહ રાણા સહિત આઠેક મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતા સુરેન્‍દ્રનગર ડેપોના કર્મચારીઓ ઘટનાસ્‍થળે દોડી ગયા હતા.

(12:05 PM IST)