<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

જામનગરમાં 'ઓપરેશન અભ્યાસ' અંતર્ગત ભીષણ મોકડ્રિલ : ક્રિસ્ટલ મોલ, રિલાયન્સ રિફાઇનરી અને સિક્કા થર્મલ પાવર સ્ટેશન પર હવાઈ હુમલાનું સફળ નિદર્શન : જુઓ વિડીયો

તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરી ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા : ૫૦૦ લોકોને સુરક્ષિત આશ્રય અપાયો : કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓએ કામગીરીની પ્રશંસા કરી : રાત્રે જિલ્લામાં બ્લેકઆઉટનું આયોજન

જામનગર: જામનગર શહેરમાં આજે ક્રિસ્ટલ મોલ, રિલાયન્સ રિફાઇનરી અને સિક્કા થર્મલ પાવર સ્ટેશન ખાતે હવાઈ હુમલાની જાણકારી મળતા જ જિલ્લા તંત્રએ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર યોજાયેલી આ સિવિલ ડિફેન્સ મોકડ્રિલ "ઓપરેશન અભ્યાસ"નો ભાગ હતી, જેનો હેતુ કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો હતો.
બપોરે ચાર વાગ્યે જિલ્લા કંટ્રોલરૂમ અને પોલીસ કંટ્રોલરૂમને ફોન દ્વારા જાણકારી મળી હતી કે ઉપરોક્ત સ્થળો પર હવાઈ હુમલો થયો છે અને તે ક્ષતિગ્રસ્ત થયા છે. જેના પગલે તુરંત જ સાયરન વગાડીને શહેરના નાગરિકોને હવાઈ હુમલા અંગે એલર્ટ કરવામાં આવ્યા હતા. સાયરનનો સંકેત મળતાની સાથે જ શહેરના નાગરિકોએ તાત્કાલિક નજીકના સુરક્ષિત સ્થળોએ આશ્રય મેળવ્યો હતો.
જિલ્લાના વિવિધ સ્થળોએ હવાઈ હુમલાની જાણકારી મળતા જ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ગણતરીની મિનિટોમાં જ ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ અને પોલીસની ટીમો એમ્બ્યુલન્સ સહિત આધુનિક સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વિવિધ ટીમો તથા આપદામિત્રોની મદદથી અસરગ્રસ્ત સ્થળોએ હાજર નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.
ઇમર્જન્સીના ભાગરૂપે જિલ્લા તંત્ર દ્વારા ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ અને જાખર ખાતે ઊભી કરવામાં આવેલી ટેમ્પરરી હોસ્પિટલમાં ઘાયલો અને રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. આ મોકડ્રિલમાં અંદાજે ૩૦ જેટલા નાગરિકો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યારે ૫૦૦ જેટલા લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત આશ્રયસ્થાનો પર લઈ જવામાં આવ્યા હતા. આશ્રયસ્થાનો પર મેડિકલ ટીમો દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોકડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈને તંત્રને સહયોગ આપ્યો હતો.
મોકડ્રિલમાં તત્કાલ કામગીરી હાથ ધરવા બદલ કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ તમામ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે, "ઓપરેશન અભ્યાસ" અંતર્ગત મોકડ્રિલનો આ પ્રથમ તબક્કો હતો, જ્યારે બીજા તબક્કામાં આજે સાંજે ૮ થી ૮:૩૦ કલાક સુધી સમગ્ર જિલ્લામાં નાગરિકો દ્વારા સ્વયંભૂ અંધારપટ (બ્લેકઆઉટ) કરવામાં આવશે.

 

(7:59 PM IST)