News of Thursday, 8th May 2025
સુરેન્દ્રનગર જીલ્લામાં આફત સમા માવઠાનો અડિંગો : વિરમગામમાં ૧નું મોત
કમોસમી વરસાદથી પાકને ભારે નુકશાન : વારંવાર વિજળી ગુલ થઇ જતા લોકો હેરાન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૮: જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સતત ત્રીજા દિવસે બુધવારે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં બુધવારે સવારથી આકાશ ગોરંભાયુ હતુ. અને સુરેન્દ્રનગર શહેરમાં અડધા કલાકમાં અડધા ઈંચથી વધુ પાણી વરસ્યુ હતુ. સામાન્ય વરસાદમાં પણ સુરેન્દ્રનગર મહાનગરપાલીકા વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. બીજી તરફ લીંબડીમાં બુધવાર સવારથી સાંજ સુધીમાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.સુરેન્દ્રનગર જિલ્લાને કમૌસમી વરસાદ સતત ત્રણ દિવસથી ઘમરોળી રહ્યો છે. સોમવારે સાંજથી શરૂ થયેલ કમૌસમી મેઘસવારી બુધવારે પણ યથાવત રહી છે. બુધવારે સવારના સમયે આકાશમાં મ્યત સમયે સુર્યનારાયણના દર્શન થયા ન હતા. જયારે અંદાજે ૧૦-૩૦ કલાકના સુમારે અચાનક સુરેન્દ્રનગર શહેરમાં વરસાદ વરસ્યો હતો. અંદાજે અડધો કલાકના સમયમાં પડેલા ૧૫ મીમી વરસાદથી સુરેન્દ્રનગર પાણી પાણી થઈ ગયુ હતુ. શહેરના ટાવર ચોક, રીવરફ્રન્ટ રોડ, મેઈન રોડ, આંબેડકર ચોક પાસે આવેલ અંડરપાસમાં ચીક્કાર પાણી ભરાઈ ગયા હતા. જેને લીધે વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા. બીજી તરફ સવારના સમયે લીંબડી પંથકમાં પણ ૧ ઈંચથી વધુ ૨૮ મીમી વરસાદ નોંધાયો છે. જયારે દસાડામાં ૧૧, ચોટીલામાં ૨૨, થાનમાં ૧૫, મૂળીમાં ૧૦ અને સાયલામાં ૬ મિમી વરસાદ બુધવારે દિવસે પડયો છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ૪ દિવસ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની શકયતા વ્યકત કરાઈ છે. વરસાદને લીધે લોકોને અસહ્ય ગરમીમાંથી તો રાહત મળી છે. પરંતુ સામાન્ય વરસાદમાં પણ લાઈટોની આવન-જાવનથી ખાસ કરીને વીજ પુરવઠા સાથે સંકળાયેલા વેપારીઓ પરેશાન થઈ ગયા છે.
વિરમગામ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદના ઝાપટા પડી રહ્યા છે. ત્યારે મંગળવારે રાત્રે વરસાદી ઝાપટુ પડયુ હતુ. દરમ્યાનમાં શહેરના જાગ ફ્ળી વિસ્તારમાં એક મકાનની છતનો બહારનો ભાગ અચાનક તુટી પડયો હતો. જે તુટી પડેલો છતનો ભારેખમ કાટમાળ નીચે ઉભેલા મકાનમાં રહેતા રોહિત ગફુરજી ઠાકોર ૪૯ વય ધરાવતા વ્યક્તિ પર પડતા તેમનુ મળત્યુ નિપજ્યુ હતુ. ગમખ્વાર બનાવથી પરિવાર સહિત વિસ્તારમાં ભારે શોક વ્યાપી ગયો હતો.(૨૩.૯)
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
