<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

જામનગરમાં સવારે ૪ વાગ્‍યે સાયરન વગાડીને બ્‍લેકઆઉટ કરાયુ

ડ્રોન હુમલાને સમર્થન નથી : માત્ર અફવા : કલેકટર કેતન ઠક્કર, એસપી પ્રેમસુખ ડેલુ અને ટીમનું રાઉન્‍ડ ધ કલોક મોનીટરીંગ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૯: આજે વહેલી સવારે ૪ વાગ્‍યે સાઈરન દ્વારા લોકોને જાગૃત રહેવાની સુચના આપી અને બ્‍લેક આઉટ કરાવ્‍યું હતુ, જામનગરના કલેકટર કેતન ઠકકર, એસ.પી.પ્રેમસુખ ડેલુ તથા તંત્ર રાત્રે આખી રાઉન્‍ડ કલોક રહયા હતા. અને સતત પોલીસે જાગૃતતા વાપરી પેટ્રોલીંગ કરેલ હતું. આજે વહેલી સવારે લોકોમાં ચર્ચા છે કે જામનગર ઉપર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્‍યો હતો.અને તેને સૈનિકો દ્વારા નિષ્‍ફળ બનાવેલ. તેવી અફવા ફેલાઇ હતી. આ અંગે જામનગરના કલેકટર કેતન ઠકકરે પત્રકાર મુકુંદ બદિયાણીને ટેલીફોનીક વાતચીત કરતા તેઓએ જણાવ્‍યું હતું કે, અમો એ ૪ વાગ્‍યે બ્‍લેક આઉટ કરાવેલ અને તંત્રને ખડેપગે રાખેલ. પરંતુ ડ્રોન હુમલો થયાનું તેને સમર્થન આપેલ નથી. ગત મોડી રાત્રે દ્વારકા માં પણ બ્‍લેક આઉટ કર્યાનું સુત્રો માંથી જાણવા મળ્‍યું છે.

લોકોએ સાયરન વાગે ત્‍યારે પોતાની રીતે સ્‍વૈચ્‍છીક બ્‍લેક આઉટ કરી દેવું, અજાણ્‍યા ફોન ઉપાડવા નહી અને સાઈબર હુમલાથી બચવું તથા કોઈ મોબાઈલમાં અજાણી લીંક આવે તો ખોલવી નહી અને અફવાઓથી દુર રહેવું.

યુદ્ધની પરિસ્‍થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર

જિલ્લા ડિઝાસ્‍ટર કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા કલેક્‍ટર કેતન ઠક્કર, મ્‍યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્‍ટર શ્રી બી.એન.ખેર, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર શ્રી ઝાલા, ચીફ ફાયર ઓફિસર કે.કે.બીશ્‍નોઈ સહિતના ઉચ્‍ચ અધિકારીઓ હાલની યુદ્ધની પરિસ્‍થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે. તેમજ તેઓ દ્વારા પળેપળની માહિતી મેળવીને પરિસ્‍થિતિનું આકલન કરવામાં આવી રહ્યું છે.

કલેક્‍ટર કેતન ઠક્કરે જણાવ્‍યું કે હાલની પરિસ્‍થિતિમાં જિલ્લાના લોકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને પરિસ્‍થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ જરૂરી પગલાં ભરી રહ્યું છે.સાથે જ તેમણે લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી ન ભરમાવા તેમજ તંત્ર દ્વારા અપાતી સત્તાવાર માહિતીને અનુસરવા અનુરોધ કર્યો હતો.

તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર લોકોને શાંતિ અને સલામતી જાળવવા માટે સહકાર આપવા વિનંતી કરે છે. કોઈપણ તાત્‍કાલિક માહિતી અથવા સહાયતા માટે જિલ્લા ડિઝાસ્‍ટર કંટ્રોલ રૂમ ૦૨૮૮-૨૫૫૩૪૦૪ પર સંપર્ક કરી શકાશે.(૨૩.૧૩)

 

(11:38 AM IST)