News of Friday, 9th May 2025
ધોરાજીમાં નવા એસપી સિમરન ભારદ્વાજનો સપાટો : એક કરોડથી વધુની રેતીનો જથ્થો સીઝ : ખનીજ ચોરોમાં ફફડાટ
નવનિયુક્ત એસપી અને ભુસ્તરશાસ્ત્રીની સંયુક્ત બાતમીના આધારે લુણાગરા નજીક ફોફળ નદીના પટમાં રેડ : બે લોડર અને પાંચ ડમ્પર સહિત મુદ્દામાલ જપ્ત

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી ડિવિઝનના નવનિયુક્ત એસપી સિમરન ભારદ્વાજે ખનીજ ચોરો સામે સખત કાર્યવાહી શરૂ કરી છે. તેમણે રાજકોટ જિલ્લાના ભુસ્તરશાસ્ત્રી અંકિત ભટ્ટ સાથે સંયુક્ત બાતમીના આધારે જામકંડોરણા તાલુકાના લુણાગરા-ઈશ્વરીયા ગામ નજીક ફોફળ નદીના પટમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા શખ્સો પાસેથી રૂપિયા એક કરોડ પાંચ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે, જેના પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહે ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ અને ભુસ્તરશાસ્ત્રી અંકિત ભટ્ટની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી હતી.
ફોફળ નદીના પટમાં સર્ચ ઓપરેશન દરમિયાન ગેરકાયદેસર રેતીનું ખનન કરતા બે લોડર અને પાંચ ડમ્પર મળી આવ્યા હતા, જેનો અંદાજિત મુદ્દામાલ એક કરોડ પાંચ લાખ રૂપિયા થાય છે. પોલીસે આ તમામ વાહનોને સીઝ કરીને જામકંડોરણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખ્યા છે. આ અંગે આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટ ખાણ ખનીજ વિભાગ દ્વારા આ ચોરી કોણ કરી રહ્યું હતું અને કેટલા સમયથી આ પ્રકારે ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં ખનીજ ચોરીની આ સૌથી મોટી રેડ માનવામાં આવે છે.
આ સંયુક્ત કામગીરીમાં એસડીપીઓ ધોરાજી વિભાગના એએસપી સિમરન ભારદ્વાજ, પીએસઆઈ બી.ડી. જોષી, એએસઆઈ સંજયભાઈ કિહલા, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ મકવાણા, હેડ કોન્સ્ટેબલ પ્રદિપભાઈ બારોટ અને ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી અંકિત ભટ્ટ, રોયલ્ટી ઈન્સ્પેક્ટર કિશનભાઈ રાણવા, માઈન્સ સુપરવાઈઝર સતીષભાઈ સેડવા અને યોગેશભાઈ ગઢીયા સહિતની ટીમ સામેલ હતી.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
