<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

દેવભૂમિ દ્વારકામાં ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ : તંગદિલીના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટનો તાત્કાલિક હુકમ

પોલીસ અધિક્ષકની દરખાસ્તને પગલે ૯ મેથી ૧૫ મે સુધી સમગ્ર જિલ્લામાં પ્રતિબંધ લાગુ : ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી

(દીપેશ સામાણી) દ્વારકા : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લાના પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને માન્ય રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભૂપેશ જોટાણીયાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા સને-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાડવા અને કોઈપણ પ્રકારના ફટાકડા ફોડવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે.
આ પ્રતિબંધ આજ તારીખ ૦૯ મે, ૨૦૨૫ થી તારીખ ૧૫ મે, ૨૦૨૫ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા આ હુકમનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.
આ જાહેરનામાની જાણકારી જાહેર જનતા સુધી પહોંચાડવા માટે તેની નકલો જિલ્લાના વિવિધ જાહેર સ્થળો પર ચોંટાડવામાં આવશે તેમજ સ્થાનિક વર્તમાનપત્રોમાં પણ તેનો પ્રસાર કરવામાં આવશે. આ ઉપરાંત, આ જાહેરનામું ગુજરાત અસાધારણ રાજયપત્રમાં પણ પ્રકાશિત કરવામાં આવશે.
આ હુકમના અમલ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ હુકમ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે, જેથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે.

 

(7:54 PM IST)