<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દ્વારકા જિલ્લો હાઈ એલર્ટ પર : દરિયાઈ પટ્ટી પર સઘન પેટ્રોલિંગ : જગત મંદિર પર લોખંડી બંદોબસ્ત : જુઓ વિડીયો

પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ SOG અને LCBની ટીમો દ્વારા શંકાસ્પદ ગતિવિધિઓ પર બાજ નજર : સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે

(કૌશલ સવજાણી) જામ ખંભાળિયા : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ સંબંધોને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાને એલર્ટ પર મૂકવામાં આવ્યો છે, ખાસ કરીને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પોલીસ દ્વારા ચાંપતા પગલાં લેવામાં આવી રહ્યા છે.
સુરક્ષાના ભાગરૂપે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરિયાઈ કાંઠાના ગામડાઓમાં પણ પોલીસની બાજ નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ શંકાસ્પદ ગતિવિધિને તાત્કાલિક અટકાવી શકાય. પોલીસની વિવિધ ટીમો દ્વારા જિલ્લાના તમામ બંદરો પર બોટ સાથે તેના દસ્તાવેજોની પણ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
યાત્રાધામ દ્વારકાના જગત મંદિરે પણ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યાં આવતા દરેક વ્યક્તિ અને વાહનની સઘન તપાસ કરવામાં આવી રહી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની વિવિધ ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં શંકાસ્પદ વ્યક્તિઓ અને ગતિવિધિઓ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર પણ પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ પ્રકારની અફવા અથવા ભડકાઉ પોસ્ટને ફેલાતી અટકાવી શકાય.
જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેમણે તમામ પોલીસ કર્મચારીઓને સતર્ક રહેવા અને કોઈપણ પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરવા માટે તૈયાર રહેવા સૂચના આપી છે. દ્વારકા પોલીસ દ્વારા સુરક્ષાને લઈને કોઈપણ પ્રકારની ઢીલ રાખવામાં આવી રહી નથી અને જિલ્લામાં સંપૂર્ણ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે તમામ શક્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.

 

(10:08 PM IST)