<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

દરિયાઈ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ

 જૂનાગઢ,તા.  ૧૦ :  માંગરોળ ખાતે કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્‍યક્ષ સ્‍થાને દરિયાઈ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્‍ટરશ્રીએ દરિયાઈ સુરક્ષા તેમજ હાલની પરિસ્‍થિતિ સંદર્ભે જરૂરી સમીક્ષા કરી હતી. કલેક્‍ટરશ્રીએ ખાસ આપત્તિની પરિસ્‍થિતિમાં બ્‍લેક આઉટ,  એર રેડ સાયરન તેમજ  સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા અંગે ઉપસ્‍થિતોને વિગતવાર માર્ગદર્શન આપ્‍યું હતું.

ઉપરાંત દરિયાઈ વિસ્‍તારમાં સુરક્ષા બાબતે જરૂરી તકેદારી રાખવા પણ સૂચના આપી હતી. તેમજ કોઈ શંકાસ્‍પદ ઘટના જણાય તો સ્‍થાનિક પોલીસને જાણ કરવા અને ખાસ નાગરિકોને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં ખારવા અને માછીમાર સમુદાયના અગ્રણીઓ ઉપરાંત દરિયાઈ સરહદના માંગરોળના ૧૧ અને માળીયાહાટીનાના ૯ ગામોના સરપંચોને હાલની પરિસ્‍થિતિ સંદર્ભે સચેત કરવામાં આવ્‍યા હતા.

 આ બેઠકમાં પ્રાંત અધિકારી,પોલીસ, આરોગ્‍ય, પીજીવીસીએલ, ફિસરઝ, પોર્ટ ઓફિસર, મામલતદારશ્રીઓ,તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, સંલગ્ન તલાટી  મંત્રીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:19 PM IST)