<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળા વિખેરાયાઃ ફરી ગરમીનો પ્રારંભ

ગઇકાલે સાવરકુંડલા, બગસરા, ધોરાજી સહીતના વિસ્‍તારોમાં હળવો-ભારે વરસાદ વરસી ગયો

 

 

પ્રથમ તસ્‍વીરમાં સાવરકુંડલા, બીજી તસ્‍વીરમાં ધોરાજી, અને ત્રીજી તસ્‍વીરમાં બગસરામાં પડેલ વરસાદ નજરે પડે છે.

રાજકોટ, તા., ૧૦ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારથી વાદળા વિખેરાયા છે અને ફરી ગરમીનો પ્રારંભ શરૂ થયો છે.

ગઇકાલે સાવરકુંડલા, બગસરા, ધોરાજી સહીતના વિસ્‍તારોમાં હળવો-ભારે વરસાદ વરસી ગયો હતો.

સાવરકુંડલા

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલાઃ  ગત તારીખ ૭ /૫ /થી શરૂ થયેલ માવઠાનો કોમોસમી વરસાદ ગઈકાલ શુક્રવાર સાંજના પણ સાવરકુંડલા શહેર અને પંથકમાં ચાલુ રહ્યો હતો બુધવાર અને ગુરુવાર બે દિવસ સામાન્‍ય રાહત રહ્યા બાદ ગઈકાલ શુક્રવારે દિવસભર ચોખ્‍ખું હવામાન હતું પરંતુ સાંજના ચાર વાગતા જ આકાશ માં ઘટાટોપ વાદળો ગોરંભાયા  હતા અને જોતાજોતા માં જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો જેમા અડધી અડધી કલાકના બે રાઉન્‍ડ જોરદાર વરસાદ વરસતા ૪૦  એમએમ જેટલું પાણી વરસી ગયું હતું જોરદાર વરસાદ વરસતા શહેરના માર્ગો ઉપર જાણે નદીઓ વહેતી થઈ ગઈ હતી છેલ્લા ચાર દિવસથી સતત વરસતા વરસાદને કારણે નાવલી નદીના ઉપવાસ બાંધવામાં આવેલા પાંચેય ચેકડેમ  ઓવર ફ્‌લો થઈ જતા વરસાદનું પાણી સાવરકુંડલા શહેરની મધ્‍યમાંથી વહેતી નાવલી નદીમાં વહી રહ્યુ છે ચોમાસુ શરૂ થતા પહેલા જ સાવરકુંડલાની નાવલી નદીમાં સતત બે દિવસ સુધી ગોઠણબુડ પાણી આવ્‍યું છે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજીમાં સતત ત્રીજા દિવસે મેઘસવારી ચાલુ રહી હતી. સવારના ભારે બફારા બાદ સાંજે પ વાગે ધીમીધારે વરસાદ શરૂ થતા અડધો કલાકમાં અડધો ઇંચ જેવો વરસાદ વરસી ગયો હતો.

ધોરાજી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ અચાનક જ એન્‍ટ્રી શરૂ રાખી છે. ત્‍યારે કાલે સાંજે પ વાગે ધમાકેદાર વરસાદની એન્‍ટ્રી થતા ધીમીધારે સતત વરસાદ ચાલુ રહયો હતો અને અડધો ઇંચ જેવો વરસાદ વરસી ગયો હતો.

બગસરા

(સમીર વિરાણી દ્વારા) બગસરાઃ  બગસરામાં સતત ચોથા દિવસે વરસાદ પડતા ખેડૂતોને ભયંકર હાલાકી નો સામનો કરવો પડ્‍યો છે ત્‍યારે બગસરાના વિસ્‍તાર શાકમાર્કેટમાં પાણી ભરાયાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે ત્‍યારે તંત્રની પોલ ખોલી રહેલ વરસાદ પ્રીમોનસુન કામગીરી ફક્‍ત કાગળ ઉપર થઈ રહેલું હોય તેવું લાગી રહ્યું છે જ્‍યારે હાલમાં આ માવઠામાં શહેરની દુરદર્શન થઈ રહી છે ત્‍યારે ચોમાસામાં હાલ કેવા થશે તેવા લોકોમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. રાજ ચોથા દિવસે બગસરામાં ૧૯ મીલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વાર) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૭ ડીગ્રી, મહતમ તાપમાન ૩૭.ર ડીગ્રી, ભેજનું પ્રમાણ ૮પ ટકા, પવનની ગતી ૬.૪ કી.મી. રહી હતી. 

(1:40 PM IST)