News of Saturday, 10th May 2025
ધોરાજીમાં સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : એક કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો : જુઓ વિડીયો
ભારે પવન સાથે અચાનક મેઘસવારી આવતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : લોકોમાં આનંદની લાગણી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા), ધોરાજી : ધોરાજીમાં આજે ચોથા દિવસે પણ મેઘરાજાએ અચાનક ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સાંજે પાંચ વાગ્યાની આસપાસ ભારે બફારા બાદ અચાનક ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને એક કલાક જેવા ટૂંકા સમયગાળામાં લગભગ અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ધોરાજી શહેર અને તાલુકા પંથકમાં સાંજે પાંચ વાગ્યે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો. પવનની તીવ્રતા એટલી વધારે હતી કે વૃક્ષો પણ ડોલવા લાગ્યા હતા. ત્યારબાદ અચાનક વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યું હતું. આ અણધાર્યા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ભારે પવનની સાથે વરસાદ સતત ચાલુ રહેતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
ધોરાજીના ત્રણ દરવાજા, પીરખાના કુવા ચોક, હોકળાકાંઠા વિસ્તાર, સ્ટેશન રોડ, જેતપુર રોડ અને જૂનાગઢ રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે થોડી મુશ્કેલી પણ સર્જાઈ હતી. જો કે, લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે આ વરસાદ રાહત લઈને આવ્યો હતો.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
