<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

યુદ્ધની સ્થિતિને પગલે દ્વારકાધીશ મંદિર સંધ્યા આરતી બાદ રાત્રે ૮ વાગ્યે બંધ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી બ્લેકઆઉટનો અમલ

સંભવિત આપત્તિને પહોંચી વળવા તંત્રના પગલાં : ભક્તોને રાત્રે ૮ વાગ્યા પહેલાં દર્શન કરવા અનુરોધ : બ્લેકઆઉટ દરમિયાન સહકાર આપવા અપીલ

દ્વારકા: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રીદ્વારકાધીશ જગતમંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિરના પુજારી પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવેથી દરરોજ સાંજે સંધ્યા આરતી થયા બાદ રાત્રે ૮ વાગ્યે મંદિર ભક્તો માટે બંધ થઈ જશે. જો કે, પુજારી પરિવાર દ્વારા સેવાનો ક્રમ નિત્યક્રમ મુજબ ચાલુ રહેશે.
આ ઉપરાંત, દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ એક મહત્વપૂર્ણ અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લાના તમામ નાગરિકો, ઔદ્યોગિક એકમો તેમજ વિવિધ સંસ્થાઓને પ્રવર્તમાન પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા સંભવિત આકસ્મિક આપત્તિને પહોંચી વળવા માટે આગામી સૂચના ન મળે ત્યાં સુધી જિલ્લામાં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી બ્લેકઆઉટનો અમલ કરવા જણાવવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા પણ નાગરિકોને ખાસ અનુરોધ કરાયો છે. તંત્ર દ્વારા આપાતકાલીન પરિસ્થિતિ સમયે શું કરવું અને શું ન કરવું તે અંગે પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આપાતકાલીન પરિસ્થિતિ સમયે શું કરવું:
 * આપાતકાલીન કીટ તૈયાર કરો જેમાં ઓળખપત્ર, જરૂરી દવાઓ, પાણી (ઓછામાં ઓછું ૫-૬ લિટર પ્રતિ વ્યક્તિ), ટોર્ચ, પાવર બેન્ક, બેટરીથી ચાલતો રેડિયો જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
 * તમારા નજીકના શરણ સ્થળ વિશે જાણકારી રાખો.
 * સ્થળાંતર દરમિયાન મહિલાઓ, વડીલો અને બાળકોને પ્રાથમિકતા આપો.
 * બ્લેકઆઉટ દરમિયાન પ્રશાસનને સંપૂર્ણ સહયોગ આપો.
 * યુદ્ધ દરમિયાન આયોજિત રક્તદાન શિબિરોમાં સહભાગી બનો.
 * સ્થાનિક પ્રશાસનના સતત સંપર્કમાં રહો.
 * સાયરન, લાઉડસ્પીકર અને રેડિયો પર થતી ઘોષણાઓ પર તાત્કાલિક ધ્યાન આપો અને તેનું પાલન કરો.
 * માત્ર સરકારી અને વિશ્વસનીય સમાચાર સ્ત્રોતો દ્વારા જ માહિતી મેળવો.
આપાતકાલીન પરિસ્થિતિ સમયે શું ન કરવું:
 * બ્લેકઆઉટ દરમિયાન ઇન્વર્ટરનો ઉપયોગ ટાળો.
 * સેના તથા સીમાની ગતિવિધિઓના કોઈપણ ફોટા કે વીડિયો બનાવશો નહીં.
 * સોશિયલ મીડિયા પર તમારી ખાનગી જાણકારી શેર કરશો નહીં.
 * સેના તથા પોલીસની પરવાનગી વિના કોઈપણ રણનીતિક મહત્વ ધરાવતા સ્થળ પર જશો નહીં.
 * કોઈપણ ખોટી અફવાઓ પર ધ્યાન આપશો નહીં.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને આ સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરવા અને શાંતિ તથા સલામતી જાળવવામાં સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે. ભક્તોને પણ રાત્રે ૮ વાગ્યા પહેલાં શ્રીદ્વારકાધીશના દર્શન કરી લેવા અનુરોધ કરવામાં આવે છે.

 

(6:59 PM IST)