<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

કચ્છમાં ફરી ડ્રોનની હલચલ : રાત્રે જખૌ અને ખાવડા નજીક પાંચ ડ્રોન દેખાયાની ચર્ચાથી લોકોમાં ફફડાટ : સ્વયંભૂ બ્લેકઆઉટ

કોઈ સત્તાવાર પુષ્ટિ નહીં : પરંતુ લોકોની સતર્કતા અને તંત્ર એલર્ટ

વિનોદ ગાલા દ્વારા, ભુજ: કચ્છમાં આજે દિવસ દરમિયાન એકંદરે શાંતિપૂર્ણ પરિસ્થિતિ રહ્યા બાદ રાત્રે આકાશમાં ડ્રોનની હલચલ જોવા મળી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વાત અનુસાર, જખૌ અને ખાવડા નજીકના વિસ્તારોમાં રાત્રિના સમયે પાંચ જેટલા ડ્રોન દેખાયા હોવાનું કહેવાય છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
દરમિયાન, સરહદી વિસ્તારમાં ડ્રોનની ગતિવિધિની અટકળો વચ્ચે લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને આજે રાત્રે સ્થાનિક લોકોએ સ્વયંભૂ રીતે બ્લેકઆઉટ પાળ્યો હતો, એટલું જ નહીં પરંતુ ઘણા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો પણ બંધ રાખવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને ચાંપતી નજર રાખી રહ્યું છે.
અગાઉ પણ કચ્છના સરહદી વિસ્તારોમાં ડ્રોન દેખાયા હોવાના બનાવો બન્યા છે, જેને પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલમાં દેખાયેલા ડ્રોન અંગે કોઈ સત્તાવાર નિવેદન ન હોવા છતાં, લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેઓ પોતાની રીતે સાવચેતીના પગલાં ભરી રહ્યા છે. તંત્ર દ્વારા લોકોને શાંતિ જાળવવા અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

 

(11:38 PM IST)