News of Monday, 12th May 2025
પાકિસ્તાને ડ્રોન હુમલા દ્વારા ભુજ-નલિયાના એરફોર્સ સ્ટેશનને ટાર્ગેટ કર્યા'તા
સેનાની પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ ભારતે એ હુમલા નિષ્ફળ બનાવ્યા, જાણો કચ્છનો દિલધડક અહેવાલ : જાણો કચ્છમાં શું થયું હતું?

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : વર્તમાન તણાવભરી પરિસ્થિતિ અને ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સેનાની પત્રકાર પરિષદમાં પાકિસ્તાન દ્વારા આપણા દેશમાં કરાયેલા ડ્રોન હુમલા વિશે માહિતી અપાઈ તેમાં ભુજ અને નલિયા એરબેઝનો પણ ઉલ્લેખ હતો. ડ્રોન હુમલાનો આ પ્રયાસ શુક્રવારે મોડી રાત થી શનિવાર વહેલી પરોઢ વચ્ચે કરાયો હતો. ભુજ એરફોર્સ સ્ટેશનની નજીક આવેલ પાલારા પાસે ડ્રોન મળી આવ્યું હતું. ભારતીય સેનાએ એ ડ્રોન હુમલો ડ્રોન તોડી પાડી નિષ્ફળ બનાવ્યો હતો. આ સમયે શનિવારે ભુજને હાઇ એલર્ટ ઉપર મૂકી દેવાયું હતું અને ભુજ એરફોર્સ થઈને જતા ખાવડા નેશનલ હાઇવે માર્ગ ને થોડા સમય માટે બંધ કરી દેવાયો હતો. ભુજની બજારો બંધ કરી દેવાઈ હતી. ત્યારબાદ ફરી થોડા સમયમાં જ અહીંથી આગળ જતા માર્ગ ઉપર નાગોર (ભુજ) પાસે ડ્રોન તોડી પડાયું હતું.
એ જ દિવસે શનિવારે સવારે ભારતીય સેનાનું બીજું એરફોર્સ સ્ટેશન આવેલું છે તે નલિયા વિસ્તારમાં ધૂફી, બીટા નજીક ડ્રોન દેખાયા અને તોડી પડાયા હોવાના સમાચારો તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. દરમ્યાન નલિયા એરફોર્સ સ્ટેશનની નજીક આવેલા ભાનાડા અને કોઠારા ગામમાં ૮ થી ૯ ધડાકા સંભળાયા હતા. આ ધડાકા ડ્રોન તોડી પાડવાના હતા. આમ શનિવારે એક જ દિવસમાં ૮ જેટલા અલગ અલગ ડ્રોન હુમલાને પગલે સમગ્ર કચ્છને હાઈ એલર્ટ ઉપર મૂકી દેવાયું હતું.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
