News of Monday, 12th May 2025
કમોસમી માવઠાઓનો ક્રમ જોવા નહીં મળે
રાજયમાં આવતી કાલથી નવ દિ'સુધી : ચોમાસાનું આગમન કયારે થશે?એ ચર્ચાઓ હવે જોર પકડશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૨: પ્રીમોન્સુન અર્થાત ચોમાસા પુર્વેના કમોસમી માવઠાઓ આ વેળા ગુજરાતમાં સારી રીતે વરસ્યા,બલ્કે ભર ચોમાસા જેવો વરસાદ પણ રાજયના કેટલાયે સ્થળોએ જોવા મળ્યો.ખેડૂત વર્ગમાં હવે ચિંતા જાગી છે કે આ કમોસમી ગાજવીજ સાથેના ભારે માવઠાઓથી કયારે છૂટકારો મળશે?
ભારતીય હવામાન વિભાગ અર્થાત આઇએમડીના પુરા દેશના અલગ-અલગ રાજયોના એલર્ટ નકશામાં શું સુચવાયુ છે. તે જોઇએ તો, માત્ર આજના દિવસ માટે ગુજરાતને યલો એલર્ટ અપાયેલ છે. અર્થાત રાજયમાં આજે કયાંક માવઠારૂપી વરસાદ વરસી જાય. પણ આવતીકાલથી ગુજરાત માટે એલર્ટ હટાવી લેવાયુ છે. જેથી સ્થિતિ સામાન્ય થતી જશે. આકાશ સ્વચ્છ થતું જશે. ઉપરાંત આઇએમડીના વર્તારા મુજબ આવતી કાલથી સપ્તાહ ભર સુધી રાજયમાં ગરમીમાં ક્રમશઃ ત્રણ થી પાંચ ડીગ્રીનો વધારો જોવા મળશે.
આઇએમડીની જ દસ દિવસિય લાંબી ફોરકાસ્ટના મોડેલ મેપમાં આવતીકાલથી નવ દિવસ સુધી ગુજરાતને કોરૂ કટ્ટ દર્શાવાયેલ છે. અર્થાત આ દિવસો દરમ્યાન કમોસમી માવઠાઓનો ક્રમ બંધ થઇ ને આકાશ સ્વચ્છ થવાની સાથે ગરમીમાં ઉતરોતર વધારો જોવા મળશે.પવનોની દિશા પણ એ જ સુચવે છે.
સ્કાયમેટના પીવી મહેશ પલાવત પણ ગુજરાત માટે એમજ જણાવે છે કે, રાજયમાં આજે કયાંક છૂટો છવાયો વરસાદો પડી જાય. ભારે વરસાદનો ક્રમ હાલ પુરતો ભૂતકાળ બની જશે.
દક્ષિણ-પヘમિનું અર્થાત નૈઋત્યનું ખરૂ ચોમાસુ કયારે શરૂ થશે?એ ચર્ચાઓ હવે જો પકડશે. આઇએમડી અનુસાર ૧૩ મી મે થી અર્થાત આવતી કાલથી દક્ષિણ અંડમાનમાં ચોમાસાનો પ્રવેશ થશે. બાદમાં આ ચોમાસુ કેરળ પહોંચે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નિયમીત ચોમાસુ સમય પત્રક મુજબ નૈઋત્યનું ચોમાસુ પ્રથમ જુને કેરળમાં શરૂ થઇ જતુ હોય છે. સંભવ છે કે આ વેળા એક-બે દિ' વહેલુ શરૂ થવા પામે. અને ગુજરાતમાં નિયમિત ચોમાસાનો પ્રારંભ ૧૫ જુનેથી થતો હોય છે. (૩.૫)
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
