News of Monday, 12th May 2025
સુરેન્દ્રનગરના ચકચારી મહંત પ્રકરણમાં માસ્ટર માઇન્ડ રાજસીતાપુરનો યુવાન

વઢવાણ, તા.૧૨: સુરેન્દ્રનગરના ભકિતનંદન સર્કલ વિસ્તારમાં એક મહિલા સેવિકાના ઘરે મહંત બપોરનું ભોજન કરવા આવ્યા હતા. ત્યારે ૪ શખ્સોએ ઘરમાં ઘુસી મહંતનો વીડિયો ઉતારી છરી બતાવી રૂ. ૧૦ લાખની માંગણી કરી હતી. જેમાં મહિલાના ઘરમાંથી રૂ. ૨.૪૫ લાખ રોકડા લઈ લીધા હતા. આ ઉપરાંત એક શખ્સે મહિલાને સાથે બેંકમાં લઈ જઈ રૂ. ૭ લાખની ફીકસ ડીપોઝીટ તોડાવી કુલ રૂ. ૯.૪૫ લાખ પડાવી લીધા હતા.
આ કેસની બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ પીઆઈ ટી.બી.હીરાણી સહિતના સ્ટાફે ચારેય આરોપીઓ દુધની ડેરી પાછળ રહેતો હર્ષદ રમણભાઈ કોળી, પોપટપરામાં રહેતા વીરમ કોળી, રવી રાજુભાઈ કોળી અને રોહીત ઉર્ફે ભાણો કોળીને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી તોડની રકમ રૂ. ૯.૪૫ લાખ રીકવર કરી તેઓની પુછપરછ કરતા માસ્ટર માઈન્ડ રાજસીતાપુરનો શૈલેષ અઘારા નામનો યુવાન હોવાનું ખુલતા પોલીસે તેને પણ દબોચી લીધો હતો. શૈલેષને મહંત સેવીકાના ઘરે આવ્યા હોવાની જાણ થતા તેણે ચારેયને જાણ કરી પ્લાન બનાવ્યો હતો. અને રૂ. ૯.૪૫ લાખ સરખા ભાગે વહેંચી પણ લીધા હતા. બી ડીવીઝન પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આ શખ્સોએ અન્ય કોઈને આવી રીતે બ્લેકમેઈલ કરી રોકડ રકમનો તોડ કર્યો છે કે કેમ ? તેની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ કરી રહી છે.(૨૩.૧૪)
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
