News of Monday, 12th May 2025
સાવરકુંડલામાં ગેસ લીકેજ થતા ર દાઝી ગયા
બાટલો બદલાવી રહયા હતા ત્યારે લીકેજ થતા ભડકો થવાથી દોડધામ

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૧રઃ સાવરકુંડલા શહેરના કેવડા પરા વિસ્તાર નજીક આવેલા દેવીપૂજક વાસમાં આજે એક દુઃખદ ઘટના બની હતી. અહીં રહેતા ગરીબ પરિવારના શ્રી કિશોરભાઈ રાજુભાઈ જીપલોટના ઘરે ઇન્ડિયન ગેસનો બાટલો બદલવાતી વખતે અચાનક લીકેજ થતા ભયંકર આગ લાગી ગઈ હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની પળોમાં જ ઘર તેમજ ઘરમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જવાળાઓ આસપાસના વિસ્તારમાં પણ ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ દુર્ઘટનામાં શ્રી કિશોરભાઈના પરિવારના બે સભ્યોને હાથ અને પગના ભાગે સામાન્ય દાજીયા હતા. તેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી આ ઘટનાની જાણ થતા જ વોર્ડ નંબર ૯ ના કાઉન્સિલર શ્રી રમેશભાઈ ચૌહાણ અને શ્રી અનિલભાઈ ગોહિલે અને જાગળત કાર્યકર જગદીશભાઈ ઠાકોરે તાત્કાલિક સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદીને જાણ કરી હતી. ત્વરિત કાર્યવાહી કરતા નગરપાલિકાના ફાયર બ્રિગેડના કર્મચારીઓ શ્રી જયરાજભાઈ ખુમાણ, શ્રી કૌશિકભાઈ તેમજ શ્રી અજીતભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની સમયસરની કાર્યવાહીને કારણે મોટી જાનહાનિ ટળી હતી. ફાયર સુપરવાઇઝર શ્રી જયરાજભાઈએ તાત્કાલિક એરો ગેસ એજન્સી ને આ ઘટના અંગે જાણ કરી હતી. જેના પગલે એરો ગેસ એજન્સીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લીકેજ થયેલો તેમજ અન્ય એક એમ કુલ બે ઇન્ડિયન ગેસના બાટલા કબજે લીધા હતા. ગેસ લીકેજનું ચોક્કસ કારણ જાણવા માટે એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.
આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ગેસ સિલિન્ડરની સલામતીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ આગના કારણે કિશોરભાઈના પરિવારને ભારે આર્થિક નુકસાન થયું છે.
આ ઘટનાની સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
