<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

જામનગરમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું : પાંચ મહિલા સહિત છની ધરપકડ

એલસીબી પોલીસે નંદનવન સોસાયટીમાં દરોડો પાડી રોકડ અને મોબાઈલ ફોન સહિત રૂ. ૪૯,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર : જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) પોલીસે શહેરના નંદનવન સોસાયટી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતા મહિલા સંચાલિત જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે શેરી નંબર-૪ સ્થિત એક ફ્લેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી પાંચ મહિલાઓ અને એક પુરુષને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પો.સ.ઇ. પી.એન. મોરી અને પો.સ.ઇ. સી.એમ. કાંટેલીયા તથા તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા આરોપીઓની ઓળખ દિલીપભાઈ ગેલાભાઈ સાદીયા (ઉ.વ. ૩૫, રહે. હર્ષદમીલની ચાલી), તેમજ અન્ય પાંચ મહિલાઓ તરીકે થઈ છે. આ તમામ લોકો ગંજીપત્તાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રહ્યા હતા અને પૈસાની હારજીત કરી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રહ્યા હતા.
પોલીસે ઘટના સ્થળેથી રોકડ રૂ. ૪૪,૫૦૦ અને એક મોબાઈલ ફોન કિંમત રૂ. ૫,૦૦૦ મળી કુલ રૂ. ૪૯,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે એએસઆઈ ઘનશ્યામભાઈ ડેરવાળીયાએ ફરિયાદ નોંધાવતા પો.સ.ઇ. સી.એમ. કાંટેલીયાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કાર્યવાહીમાં પો.ઇન્સ. વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. પી.એન. મોરી, પો.સ.ઇ. સી.એમ. કાંટેલીયા અને એલસીબી સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ભરતભાઈ ડાંગર, ધનશ્યામભાઈ ડેરવાળીયા, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી અને બીજલભાઈ બાલાસરાનો સમાવેશ થાય છે.

 

(8:32 PM IST)