<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

પુરતુ પાણી હોવા છતાં મોરબીમાં અનેક વિસ્‍તારોમાંથી ફરિયાદો ઉઠતા ધારાસભ્‍યોએ અધિકારીઓને ખખડાવી નાખ્‍યા

મચ્‍છુ-૨માં હાલ પાણી ઉપાડવા માટે ૧૦ જેટલી મોટર કાર્યરત, ૧૮ મોટર લગાવવા ધારાસભ્‍ય કાંતિલાલની સૂચના

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૩:  મચ્‍છુ-૨ ડેમનું હાલ રીપેરીંગ કામ ચાલી રહ્યું છે. સાથોસાથ નર્મદા કેનાલ પણ રીપેરીંગ માટે બંધ રાખવામાં આવી હોય તેવામાં મોરબી શહેર તેમજ આસપાસના વિસ્‍તારમાં પાણી વિતરણમાં અનિયમિતતા આવી હોવાના ઢગલાબંધ પ્રશ્‍ન ઉઠતા ધારાસભ્‍ય કાંતિલાલે અધિકારીઓ સાથે બેઠક યોજી અધિકારીઓને ખખડાવ્‍યા હતા.

બેઠકમાં ધારાસભ્‍ય કાંતિલાલ અમળતિયા, ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટર કિરણ ઝવેરી તેમજ સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા વિભાગ અને ડેમના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. હાલ ૧૦ મોટર દ્વારા પાણી ઉપડવામાં આવી રહ્યું હોય, એ મુદ્દે ધારાસભ્‍ય કાંતિલાલ અમળતિયાએ અધિકારીઓને ખખડાવ્‍યા હતા અને કહ્યું હતું કે પૂરું પાણી છે છતાંય ગામને દુઃખી કરવાનું છે ? તાત્‍કાલિક ૧૮ મોટર દ્વારા પાણી ઉપાડી વિતરણ કરાવવામાં આવે તેવી તેઓએ સૂચના આપી હતી.

વધુમાં ધારાસભ્‍ય કાંતિલાલ અમળતિયાએ જણાવ્‍યું કે ડેમ ભર્યો હોય ત્‍યારે દબાણથી પાણી આવતું હોય છે. પણ હાલ ડેમમાં પાણી ઓછું છે. કયારેક મોટર બંધ થાય અથવા લાઈટ બંધ થાય ત્‍યારે તકલીફ સર્જાય છે. હાલ ૧૦ મોટર મુકાયેલી છે. ૧૮ જેટલી મોટર મુકવા જણાવ્‍યું છે. લોકોને ઓછી તકલીફ પડે તેવું પ્‍લાનિંગ કરવામાં આવ્‍યું છે.

ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્‍યું કે દરવાજાની કામગીરી પૂર્ણ કરવાની ડેડલાઈન ૨૧ જૂન હતી. પણ ચોમાસુ વહેલુ ચાલુ થવાની શકયતાને પગલે ૫ જૂન સુધીમાં કામગીરી પૂર્ણ કરી દેવાની સૂચના આપી છે. ૨૦ દિવસ ચાલે તેટલું પાણી છે તે પહેલ નર્મદા કેનાલ ચાલુ થઈ જવાની છે એટલે પાણી પૂરતું છે. માત્ર પ્‍લાનીંગનો અભાવ હતો. જે અંગે પાણી પુરવઠા બોર્ડને સૂચના આપી છે. તે બેથી ત્રણ દિવસમાં પાણી પૂરેપૂરૂ ઉપાડી ફરિયાદનું નિરાકરણ લાવશે.

ડેમના અધિકારીએ જણાવ્‍યું કે ૩૩માંથી ૧૮ દરવાજાનું કામ સંપૂર્ણ પૂર્ણ કરી લીધું છે. ૧૫ દરવાજા રિપ્‍લેસમેન્‍ટનું કામ ચાલુ છે. તેમાં પણ ૫ દરવાજાનું કામ પૂરું થઈ ગયુ છે. ૧૦ની કામગીરી ચાલુ છે. આવતા ૨૦થી ૨૫ દિવસમાં ચોમાસા પૂર્વે સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી નાખવાનું આયોજન છે.

પાણી પુરવઠા કાર્યપાલક ઈજનેર મહેશ ધામાએ જણાવ્‍યું કે ધારાસભ્‍યની સૂચના અન્‍વયે જ્‍યાં મશીજરી વધારવાની જરૂર છે ત્‍યાં બેથી ત્રણ દિવસમાં મશીનરી મુકાવી પ્રશ્‍નનું નિરાકરણ લાવીશું. અત્‍યારે મહાપાલિકાની ૩ અને પાણી પુરવઠાની ૩ મશીનરી ઉતરેલી છે. બન્ને દ્વારા ૫૦-૫૦ એટલે કે કુલ ૧૦૦ mld પાણી ઉપડવમાં આવે છે.(૨૩.૬)

(10:04 AM IST)