<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

લખતરમાં પરિવાર બહારગામ ગયો ને તસ્કરોએ ધોળા દિવસે ઘરમાં હાથ ફેરો કર્યો

 

વઢવાણ, તા. ૧૩: લખતર શહેરના પાતળીયા હનુમાનજી મંદિર વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને ધોળા દિવસે નિશાન બનાવ્યું હોવાની ઘટના સામે આવી છે. લખતરના ગિરિરાજસિંહ સોલંકીનો પરિવાર બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં સુરેન્દ્રનગર ગયો હતો. ત્યાંથી તેઓ રાતે સાડા દસ વાગ્યાની આસપાસ ઘરે પરત ફર્યા હતા. ત્યારે ઘરની અંદર જતા લોક તૂટેલું જોવા મળ્યું હતું. આથી તેઓએ તપાસ કરતા ઘરમાં ચોરી થયાનું જાણવા મળ્યું હતું. તેથી તેઓએ લખતર પોલીસમાં આ અંગે લેખિત અરજી આપી હતી. આ અંગે ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે, અમો બહારગામથી પરત ફર્યા ત્યારે ઘરનું લોક તૂટેલું હતું. સામાન વેર વિખેર થઈ ગયેલો હતો. બાદમાં અમે તપાસ કરતા ૧ સોનાની વીંટી, બુટી ૨ નંગ, ૧ ચેઇન, ચાંદીના છડા ૪ મળી આશરે કુલ એકાદ લાખ રૃપિયાની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું.

ચોરોએ એકએક દાગીના ચકાસીને લીધા હોય તેમ બગસરાની વસ્તુઓ મૂકીને ગયા છે. જ્યારે અનાજનાં ડબાઓને પણ ખોલી ખોલીને મુક્યા છે. ૨૯ એપ્રિલની આસપાસ પણ શહેરના એક બંધ મકાનમાં ચોરી થઈ હતી. પરંતુ તેની ફરિયાદ આજદિન સુધી પોલીસ ચોપડે નોંધાઈ નથી. ફરિયાદ ન નોંધાતા ચોરોને મોકળું મેદાન મળતું હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે

(11:11 AM IST)