<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

પૂર્ણિમાના ટ્રાફિક સાથે દ્વારકા યાત્રાધામમાં ભાવિકોનો ઘસારો પૂર્વવત થયો


(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૧૩: હાલમાં ભારત પાકીસ્‍તાન વચ્‍ચે યુદ્ધ જેવી પરિસ્‍થિતિમાં છેલ્લાં પખવાડિયામાં દ્વારકા આવતાં યાત્રીકોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્‍યો હતો અને ઉનાળુ વેકેશનની સ્‍થિતિમાં અનેક ભાવિકો પ્રવાસીઓએ કાંઠાળા સંવેદનશીલ વિસ્‍તારમાં યુદ્ધ જેવી સ્‍થિતિમાં પ્રવાસનું જોખમ ટાળતા બુકીંગ કેન્‍સલ થયા હતા. જો કે ગઇકાલે વૈશાખી પૂનમ બુદ્ધ પૂર્ણિમાની મોટી તીથિ હોય ગતરાત્રિથી જ બહોળી સંખ્‍યામાં ભાવિકો યાત્રાધામ પહોંચી ગયા હતા અને વહેલી સવારે પણ સેંકડો ભાવિકો યાત્રાધામ પહોંચી પવિત્ર ગોમતી સ્‍નાન તેમજ જગતમંદિરમાં ઠાકોરજીના દર્શનાર્થે પહોંચ્‍યા હતા.

જેના કારણે યાત્રાધામમાં પુનઃ યાત્રીકોનો ઘસારો જોવા મળ્‍યો હતો. યુદ્ધની પરિસ્‍થિતિમાં સુધાર સાથે આગામી દિવસોમાં હજુ વેકેશનનો એકાદ માસ બાકી છે ત્‍યારે વેકેશનનો ટ્રાફીક પૂવર્વત થઈ જશે તેવો આશાવાદ વ્‍યકત કર્યો હતો.(તસ્‍વીરઃ દિપેશ સામાણી- દ્વારકા)

(12:17 PM IST)