<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

કચ્છના બ્રેઈન ડેડ મહિલાનું અંગદાન: લીવર-બે કિડની દ્વારા ત્રણને જીવનદાન

કલેક્ટર આનંદ પટેલ, અંગદાન જાગૃતિના પ્રણેતા દિલીપ દેશમુખ “દાદા” સહિતના આગેવાનો, હોસ્પિટલ સ્ટાફે પુષ્પ વર્ષા કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : અંગદાન થકી જીવનદાન એ હકીકત સમાજ દ્વારા સ્વીકૃતિ પામી છે અને બ્રેઈન ડેડ દર્દીઓના પરિવારજનો અંગદાન કરી રહ્યા છે. કચ્છના મુન્દ્રા તાલુકાના દેશલપર કંઠીના ૫૫ વર્ષીય મહિલા હંસાબેન મગનભાઇ મહેશ્વરીને બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ બ્રેઇન ડેડ થઇ જતાં તેમના પુત્ર અને પરિવાર દ્વારા અંગદાનનો નિર્ણય લેવાયો હતો. કોરોનાકાળમાં પિતાની છત્રછાયા ગુમાવનારા હંસાબેનના પુત્ર ભાવેશભાઇએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમના માતાની તબિયત લથડતાં દસ-બાર દિવસ ભુજની કે. કે. પટેલ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ તેમને રજા આપવામાં આવી હતી. ત્રણ દિવસ અગાઉ ફરી તબિયત નાજૂક થતાં પ્રથમ જનરલ હોસ્પિટલ અને બાદમાં ફરી કે. કે. પટેલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દરમિયાન માતાનું બ્રેઇન ડેડ થતાં સારવાર આપતા તબીબોએ અંગદાન માટે પ્રેરણા આપી હતી. જેના પગલે તેમના પરિવારે સર્વસંમતિથી અંગદાનનો નિર્ણય લીધો હતો. કે.કે. પટેલ હોસ્પિટલ ભુજથી તેમના બે ડની અને લિવર ગ્રીન કોરિડોર રચી ભુજથી અમદાવાદ લઇ જવાયા હતા. 

અંગદાનમાં આપેલા બે કિડની અને લિવરને અમદાવાદના ઇન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ભુજથી ખાસ વિમાન દ્વારા લઇ જવાયા હતા જ્યાં તેને કોઇ જરૂરતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોર બનાવી એમ્બ્યૂલન્સ મારફતે અંગો લઇ જવાયા હતા જેના માટે શહેર પોલીસ સહયોગી બની હતી.

આ અંગદાન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા તેમજ પરિવારે લીધેલા નિર્ણયને બિરદાવવા માટે અંગદાન પ્રવૃતિના પ્રણેતા દિલીપ દેશમુખ “દાદા”, જિલ્લા કલેકટર આનંદ પટેલ હોસ્પિટલમાં ખાસ હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં અંગોને એમ્બ્યુલન્સ મારફતે રવાના કરાયા હતા. અમદાવાદથી આવેલી નિષ્ણાત તબીબોની ટૂકડીના માર્ગદર્શન હેઠળ અંગદાનની સમગ્ર પ્રક્રિયા ચીવટપુર્વક હાથ ધરાઇ હતી. બહોળી સંખ્યામાં ઉપસ્થિતોએ અંગદાન ઝિંદાબાદનો નારો લગાવ્યો હતો.

(9:16 AM IST)