<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ભાભી સાથેના પ્રેમમાં પાગલ ધર્મેશે અમદાવાદથી ચોટીલા આવી ભાઇ-ભાભીની હત્‍યાનો પ્રયાસ કર્યો

ત્રણ વર્ષથી દિયર-ભોજાઇ વચ્‍ચે પ્રેમ હતોઃ પણ હવે દિયર પોતાની સાથે ભાગી જવા ભાભીને ટોર્ચર કરતો હતોઃ માથાકુટ થતાં દંપતિ ચોટીલા રહેવા આવ્‍યું હતું: બજારમાંથી જમવાનું લઇ ઘર પાસે પહોંચેલા ભાઇને છરીના ઘા ઝીંક્‍યા, બચાવવા દોડેલા ભાભી પર પણ તૂટી પડયોઃ બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૪: થોડા દિવસો પહેલા જ અમદાવાદથી ચોટીલા રહેવા આવી ગયેલા પરિણીતા અને તેના પતિ પર સગા દિયરે અમદાવાદથી આવી છરીથી હુમલો કરી આડેધડ ઘા મારી હત્‍યાનો પ્રયાસ કરતાં પતિ-પત્‍નિ બંનેને રાજકોટ સારવાર માટે ખસેડાયા છે. બે સંતાનની માતા એવી આ પરિણીતાને ત્રણેક વર્ષથી દિયર સાથે પ્રેમ હતો. દિયર હવે એકાદ વર્ષથી પોતાની સાથે તેણીને ભાગી જવાનું દબાણ કરતો હોઇ તેણીએ ના પાડી દેતાં થોડા સમય પહેલા દિયરે ખાર રાખી પોતાના જ સગા મોટા ભાઇ પર હુમલો કરી પોતાને ભાભી સાથે પ્રેમ હોવાનું કહી દીધુ હતું. આ પછી બંને ચોટીલા રહેવા આવી જતાં ખાર રાખી દિયરે અહિ પાછળ આવી હીચકારો હુમલો કર્યો હતો.

આ બનાવમાં ચોટીલા પોલીસે હુમલામાં  ઘાયલ પૈકીના ચોટીલા મફતીયાપરા-૧માં રહેતાં કંચનબેન કિરીટભાઇ મારૂ (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી તેના દિયર ધર્મેશ ભીમજીભાઇ મારૂ (રહે. અમદાવાદ અમરાઇવાડી પોસ્‍ટ ઓફિસ પાસે) વિરૂધ્‍ધ  હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો છે. કંચનબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું હું પતિ અને બાળકો સાથે હાલ ચોટીલા રહુ છું. મારે સંતાનમાં બે દિકરી છે. અમે અગાઉ અમદાવાદ અમરાઇવાડી ખાતે રહેતાં હતાં. હાલમાં હું અને મારા પતિ એકાદ અઠવાડીયાથી કડીયા કામ કરીએ છીએ. અમારુ મુળ ગામ સાયલાનું  ઢકવાળી ગામે છે. મારા પતિ, સાસરીયા વર્ષોથી અમદાવાદ રહે છે. મારુ સાસુ સસરા હયાત નથી. પતિ છ ભાઇ બહેનમાં મોટા છે. મારે બે દિયર પૈકી ધર્મેશના લગ્ન દસ વર્ષ પહેલા ગીતા સાથે થયા હતાં પરતુ છ મહિનામાં જ છુટાછેડા થઇ ગયા હતાં. બીજા દિયર મયુરના લગ્ન થયા નથી. બંને દિયર અમારી સાથે જ રહેતાં હતાં.

દોઢેક વર્ષ પહેલા મકાન નાનુ પડવાને કારણે હું અને મારા પતિ તથા બાળકો બંને દિયરથી અલગ રહેવા જતાં રહ્યા હતાં. ત્રણેક વર્ષ પહેલા મારા દિયરો ધર્મેશ અને મયુર અમારી સાથે રહેતાં હતાં ત્‍યારે મારે  દિયર ધર્મેશ સાથે પ્રેમસંબંધ બંધાઇ ગયો હતો. આ સંબંધની મારા પતિને ત્‍યારે ખબર નહોતી. ત્રણેક વર્ષ સુધી અમારી વચ્‍ચે પ્રેમ ચાલ્‍યો હતો. એકાદ વર્ષથી મારો દિયર મને ભાગીને લગ્ન કરી લેવાનું કહેતો હોઇ પરંતુ મારે પતિ-બાળકોને મુકીને જવું ન હોઇ જેથી હું ના પાડતી હતી. એ પછી  પણ દિયર મને ભાગી જવા માટે ટોર્ચર કરતો હતો. અમે ભેગા પડાવેલા ફોટા બતાવી અમારા સગા સંબંધીને બતાવી દેવાની ધમકી આપતો હતો. હું આમ છતાં તેની સાથે જવાની ના પાડતી હતી. અમે સાથે રહેતાં હોઇ હું મારા પતિ ભેગી બેસુ, હળુમળુ વાત કરું તો પણ મારા દિયરને ગમતું નથી.

એકાદ મહિના પહેલા હું અને પતિ ખાટલામાં બેસીને વાતો કરતાં હતાં ત્‍યારે દિયર ધર્મેશ આવતાં તે અમને સાથે બેઠેલા જોઇ ન શકતાં ઉશ્‍કેરાઇ ગયો હતો અને મારા પતિને મારકુટ કરી ભજતો રહ્યો હતો. એ પછી મારા દિયરે મારી નણંદો અને બીજા સગાઓને અમારા પ્રેમસંબંધની જાણ કરી દીધી હતી. આથી મારા પતિને પણ જાણ થઇ હતી. છતાં તેણે મને કંઇ કીધુ નહોતું અને તે રડવા લાગેલ તેમજ હવે પછી આવી ભુલ ન કરતી તેમ કહી ઠપકો આપ્‍યો હતો. મેં પણ તેની માફી માંગી લીધી હતી. એ પછી અમે અમદાવાદ મુકી દેવાનું નક્કી કર્યુ હતું અને ચોટીલા આવ્‍યા હતાં. અહિ ફઇના દિકરાની બાજુમાં મફતીયાપરામાં મકાન ભાડે રાખી હું અને પતિ, બાળકો રહેવા લાગ્‍યા હતાં.

દરમિયાન ૧૩મીએ સવારે હું અને મારા પતિ તથા બાળકો ચોટીલા ડુંગરે દર્શન કરવા ગયા હતાં. બપોરે ઘરે આવી સુઇ ગયેલા. સાંજે પતિ ચોટીલા બજારમાંથી જમવાનું લાવ્‍યા હતાં. તે ઘર પાસે આવ્‍યા ત્‍યાં જ અચાનક મારો દિયર ધર્મેશ પાછળથી છરી લઇ દોડીને આવ્‍યો હતો અને માર પતિને ‘આજે તો તને મારી જ નાંખવો છે' કહી જાનથી મારી નાખવાના ઇરાદે મારા પતિને વાંસા, છાતીમાં ઘા મારી દીધા હતાં. દેકારો થતાં  હું બહાર દોડી ગઇ હતી અને પતિને બચાવવા જતાં મને પણ મારા દિયરે છાતીની ડાબુ બાજુ પડખામાં ઘા મારી દીધો હતો. હું અને મારા પતિ લોહીલુહાણ થઇ નીચે પડી જતાં  ધર્મેશ દોટ  મુકી ભાગી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવતાં  અમને ચોટીલા દવાખાને ખસેડાયા હતાં. ત્‍યાંથી રાજકોટ વધુ સારવાર માટે ખસેડાયા હતા. અહિ અમારા બંનેના ડોક્‍ટરે  ઓપરેશન કર્યા હતાં.

મારે દિયર ધર્મેશ સાથે પ્રેમસંબંધ હોઇ એક વર્ષથી તે મને ભાગી જવાનું કહેતો હોઇ હું જવા ઇચ્‍છતી ન હોઇ તેણે ખાર રાખી એક મહિના પહેલા મારા પતિ સાથે માથાકુટ કરી હતી અને પ્રેમસંબંધની જાણ કરી દીધી હતી. આથી અમે ચોટીલા રહેવા આવી ગયા તેનો ખાર રાખી મારા દિયરે ચોટીલા આવી મને અને મારા પતિને મારી નાખવાના ઇરાદે છરીના ઘા ઝીંકી દીધા હતાં. તેમ વધુમાં કંચનબેને જણાવતાં ચોટીલા પીએસઆઇ બી. એન. ગળચરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

તસ્‍વીરઃ હેમલ શાહ-ચોટીલા

(10:52 AM IST)