News of Wednesday, 14th May 2025
દસાડા પાસે પીકઅપ વાન સાથે ટકરાતા પલટી મારી ગયેલા ટ્રક ચાલકનું મોત : ધ્રાંગધ્રા પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ડ્રાઇવરનું મોત

વઢવાણ, તા.૧૪: દસાડા ગ્રામ્ય, ધ્રાંગધ્રા ગ્રામ્ય અને સુરેન્દ્રનગર શહેરમાં અકસ્માતના ૪ બનાવ નોંધાયા છે. જેમાં પીકઅપ વાન અને ટ્રકના ચાલકના મોત થયા છે. જયારે ૩ ને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા છે. બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
દસાડા તાલુકાના જૈનાબાદ ગામે રહેતા ૨૭ વર્ષીય વસીમ ઈબ્રાહીમભાઈ ભટ્ટી હાંસલપુરમાં આવેલ ઈનોમીન્ડા કંપનીમાં ફરજ બજાવે છે.તા. ૯-૫ના રોજ વહેલી સવારે તેઓ ફરજ પુરી કરીને કંપનીના વાહનમાં હાંસલપુરથી નાવીયાણી સુધી આવ્યા હતા. જયાંથી એક પીકઅપમાં બેસી પોતાના ગામ જૈનાબાદ જતા હતા. આ પીકઅપનવાન ડ્રાઈવર વિનોદકુમાર મોહનલાલ બારોટ હોવાનું તથા તેઓ અંબાજીથી પથ્થરો ભરીને પોરબંદર જતા હોવાનું જણાવ્યુ હતુ. ત્યારે નાવીયાણી-વાલેવડા વચ્ચે ૬૪ જોગણી માતાજીના મંદીર પાસે એક ટ્રકે પીકઅપવાન સાથે અકસ્માત કરતા પીકઅપનો છુંદો બોલી જતા દબાઈ ગયા હતા. જયારે ટ્રક પલટી મારી ગયો હતો. જેમાં ડ્રાઈવર વિનોદકુમારનું મોત થયુ હતુ. જયારે વસીમભાઈને સારવાર માટે વિરમગામ લઈ જવાયા હતા. વધુ બીટ જમાદાર એચ.કે.સોલંકી તપાસ ચલાવી રહ્યા છે.
જયારે મુળ રાજસ્થાનના પ્રવીણસીંહ ભંવરસીંહ રાવત ડ્રાઈવીંગ કરે છે. તા. ૧૦-૫ના રોજ વહેલી સવારે તેઓ મોરબીથી ટાઈલ્સ ભરીને ટ્રકમાં અમદાવાદ જતા હતા. ત્યારે હળવદ-ધ્રાંગધ્રા રોડ ઉપર સોલડી પાસે એક બંધ પડેલ ટ્રક પાછળ તેમની ટ્રક ઘુસી ગઈ હતી. જેમાં આગળનું મહોરૂ દબાઈ જતા પ્રવીણસીંહ ફસાઈ ગયા હતા. આથી તેઓને કાઢીને સારવાર માટે હળવદ લઈ જવાયા હતા. જેમાં બન્ને પગે અને માથાના ભાગે ઈજા થતા મોત થયુ હતુ. બનાવની મળતકના ભાઈ કીરણસીંહે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે કોઈપણ આડશ કે ઈન્ડીકેટર ચાલુ કર્યા વગર બંધ ટ્રક રાખનાર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ ડી.એસ.ચૌહાણ ચલાવી રહ્યા છે.
દુધરેજમાં રહેતા ધ્રુવભાઈ હરેશભાઈ બોરાણા ઓઈલનો વેપાર કરે છે. તા. ૯-૫ના રોજ રાત્રે તેઓ બાઈક લઈને મીત્ર અરમાનભાઈ સીકંદરભાઈ કોડીયા સાથે દુધરેજ તરફ જતા હતા. જેમાં બાઈક ધ્રુવભાઈ ચલાવતા હતા. ત્યારે દુધરેજ રેલવે બ્રીજ પર સામેથી આવતી સફેદ કલરની કારે બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં બન્ને મીત્રો નીચે પટકાયા હતા. અને બન્નેને ઈજા થતા સારવાર માટે સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા.
આ અંગે કાર ચાલક સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ ચેતનપરી ગોસાઈ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત દસાડા તાલુકાના સુરજપુરા રોડના કામમાં વેઠ ઉતરવાને લીધે અગાઉ પણ એક છકડો પલટી મારી ગયો હતો. ત્યારે ફરીવાર આ રસ્તે અકસ્માત સર્જાયો છે. જેમાં એક થાર અને અલ્ટો કાર સામ-સામે આવી જતા થારના ચાલકે સાઈડમાં દબાવતા કાર રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. આ બનાવમાં કોઈને ઈજા પહોંચી ન હતી. પરંતુ લોકોમાં રસ્તો બનાવનાર કોન્ટ્રાકટર સામે રોષ ફેલાયો છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
