<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગરમીમાં સતત વધારો

મહતમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે જવા લાગતા આકરો તાપ

રાજકોટ, તા. ૧પઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહય ઉકળાટ વધતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે બપોરે ધોમ ધપાતો તાપ પડે છે.

મહતમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડી જાય છે અને તેના કારણે ગરમીમાં સતત વધારો થતો જાય છે.

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ મે મહિનો આજે મધ્‍યાહને પહોંચ્‍યો છે ત્‍યારે મે મહિનાના ૨ સપ્તાહ વાતાવરણની દ્રષ્ટીએ તથા હવામાનમાં ઉતાર ચઢાવ વાળા રહ્યા હતા. જેમાં મહિનાની શરૂઆત આકરા ઉનાળા વાળા રહ્યા બાદ કમોસમી વરસાદ અને માવઠાના લીધે એક સમયે ગરમીનો પારો ઘટીને ૨૮ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જ્‍યારે છેલ્લા ૨-૩ દિવસમાં જિલ્લામાં સાવ વરસાદ ઓછો થઇ જતા ખાસ કરી ૨ દિવસથી કયાંય વરસાદ થયો નથી જેને લઇ હવાની ગતી અને ભેજમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

આમ ગરમીનો પારો સતત ઊંચકાવા સાથે લોકો ગરમી સાથે અકળાવનારા બફારાનો અનુભવ કરી રહ્યા છે. ત્‍યારે બુધવારે પણ લોકોને તેમાંથી રાહત મળી ન હતા બુધવારે લઘુતમ તાપમાન ૨૭.૨ અને મહત્તમ ૪૦.૮ ડિગ્રી નોંધાયો હતો. હવાની ગતિ ૧૨ કિમી ભેજ ૫૬ ટકા નોંધાયો હતો. આમ ૨૪ કલાકમાં હવાની ગતિ ૧ કિમી વધી જ્‍યારે ભેજ ૪ ટકા ઘટયો હતો. જેને લઇ ગરમીનો પારો ૧ ડિગ્રી જેટલો વધી જવા પામ્‍યો હતો. આજે જિલ્લામાં વાદળછાયા વાતાવરણ ગરમીનો પારો વધવાની આગાહી છે

ગુજરાત એક સપ્તાહ સુધી રહેશે ગરમીની ચપેટમાં

આજે કયાંક વરસાદ વરસી પણ જાય ?

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧પઃ ગુજરાતમાં ખરૂ ચોમાસુ આવવાને હજુ પુરો એક મહિનો બાકી છે. ચોમાસુ નિયમિત હોય ત્‍યારે જુન શરૂ થતાં જ કેરળમાં ચોમાસાની એન્‍ટ્રી થઇ ચુકી હોય છે. બાદમાં આગળ ધપતુ ચોમાસુ મહારાષ્‍ટ્ર ને પાર કરીને ગુજરાતમાં ૧પ જુનની આસપાસ પ્રવેશતુ હોય છે. આજે ૧પ મી મે છે. જેથી પુરો એક મહિનો હજુ બાકી છે. ગુજરાતમાં મોન્‍સૂનની પધરામણીને.

જો કે હાલ મહારાષ્‍ટ્ર થી દક્ષિણના કેરળ રાજય સુધી પ્રિમોન્‍સૂનની જમાવટ જોવા મળી રહી છે. ગુજરાતમાં હજુ સપ્તાહ સુધી ગરમીની જ જમાવટ જોવા મળવાની છે.

સ્‍કાયમેટના વીપી મહેશ પલાવત ગુજરાત વિષે કહે છે કે આજથી હવે ગુજરાતનું વાતાવરણ શુષ્‍ક, ગરમ, વરસાદ વિહોળુ રહેશે. જોકે ભારતીય હવામાન વિભાગ આઇએમડી હજુ આજે પણ ગુજરાતમાં ગલો એલર્ટ દર્શાવવાની સાથે આજે કયાંક વરસાદ વરસી જાય તેવી સંભાવના વ્‍યકત કરે છે. રાજયમાં ગરમી વિષે હવામાન વિભાગ આગાહીમાં જણાવે છે કે આગામી ૪ દિવસ સુધી ગુજરાતમાં દિવસના તાપમાનમાં ક્રમશઃ બે થી ચાર ડિગ્રીનો વધારો થતો રહેશે અને એ પછીના ત્રણ દિવસો સુધી બીજો કોઇ ખાસ બદલાવ જોવા નહીં મળે. મતલબ કે સપ્તાહ સુધી ગુજરાત ગરમીની ચપેટમાં રહેશે.

(12:26 PM IST)