News of Thursday, 15th May 2025
શક્તશનાળા નજીક ૮ માળનું હાઈરાઈઝ એપાર્ટમેન્ટ સિલ કરતું મહાપાલિકા
ગ્રામ પંચાયતને સતા ન હોવા છતાં તેની પાસેથી મંજૂરી લઈને ૮ બ્લોકમાં ૬૪ ફ્લેટનું નિર્માણ કરાયું હતું, મહાપાલિકાની ટીપી શાખાએ આખી પ્રોપર્ટી જ સિલ મારી દીધી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૫: મોરબીના શક્ત શનાળા - રવાપર વચ્ચે આવેલા સનાતન ગ્રામ નામના એપાર્ટમેન્ટને મહાપાલિકા દ્વારા સિલ મારી દેવામાં આવ્યું છે.
ગ્રામ પંચાયતને સતા ન હોવા છતાં તેની પાસેથી મંજૂરી લઈને અહીં ૮ બ્લોકમાં ૬૪ ફ્લેટનું નિર્માણ કરાયું હતું. જેથી મહાપાલિકાની ટીપી શાખાએ આખી પ્રોપર્ટી જ સિલ મારી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
અહીં નોટિસ પણ લગાવી દેવામાં આવી છે જેમાં જણાવાયુ છે કે મોરબી મહાનગરપાલિકા હદમાં શકતશનાળા ગામના રે. સર્વે નં.૧૮૪ પૈકી ર/પૈકી ૧માં મહેશભાઈ ભોરણીયા તથા અન્યો મૂળ જમીન માલીક દ્વારા રજા ચિઠ્ઠી લીધા વગર ગેરકાયદેસર બાંધકામ કરવાની કામગીરી ચાલુ છે. આ મિલ્કતને સિલ કરવામાં આવી છે. સિલ તોડવું કે સિલ કરેલ મિલકતમાં પ્રવેશ કરવો એ ગુનો બને છે.
આ મામલે ટીપી શાખાના અધિકારીએ જણાવ્યું કે શક્ત શનાળા ગામ નજીક ગ્રાઉન્ડ + ૮ માળનું બિલ્ડીંગ જે મહાપાલિકામાં નવા ઉમેરાયેલ વિસ્તારમાં આવે છે. આ બિલ્ડીંગ માટે ગ્રામ પંચાયત તરફથી મંજૂરી મળી હતી. પણ ગ્રામ પંચાયતને ગ્રાઉન્ડ + ૪ માળ સુધીની જ બિલ્ડીંગને મંજૂરી આપવાની સતા હોય છે. અમે બાંધકામ રોકાવા માટે અગાઉ નોટિસ આપી હતી. નોટીસનો અનાદર કરીને તેઓને બાંધકામ ચાલુ રાખ્યું હતું. જેથી આ બિલ્ડીંગ સિલ કરવામાં આવી છે. હવે તેઓએ યોગ્ય પુરાવા મહાપાલિકા સમક્ષ રજુ કરવા પડશે. બાદમાં આગળની કાર્યવાહી હાથ ધરાશે
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
