News of Thursday, 15th May 2025
ગિરનાર વિકાસ માટે ₹130 કરોડની ગ્રાન્ટ : સ્થાનિક નેતાઓનું ડેલિગેશન મંગળવારે ગાંધીનગર જશે
યાત્રિકોની સુવિધા અને ગિરનારના સર્વાંગી વિકાસ માટે સરકાર સમક્ષ રજૂઆત કરાશે

વિનુ જોશી દ્વારા, જૂનાગઢ: ગિરનારના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે સ્થાનિક નેતાઓએ કમર કસી છે. ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાની આગેવાનીમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, યોગીભાઈ પઢીયાર, પ્રદીપભાઈ ખીમાણી, શૈલેષભાઈ દવે સહિતના પદાધિકારીઓના પ્રતિનિધિ મંડળે ગિરનાર પર્વતની સ્થળ મુલાકાત લીધી હતી. આગામી સમયમાં સરકાર દ્વારા યાત્રિકોની સુખાકારી માટે ફાળવવામાં આવનાર ₹130 કરોડથી વધુની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.
આ બાબતે વધુ માહિતી આપતા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે, આગામી મંગળવારે આ તમામ સભ્યોનું એક ડેલિગેશન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મળશે. આ મુલાકાત દરમિયાન ગિરનારના વિકાસ માટેનો એક વિસ્તૃત રોડ મેપ રજૂ કરવામાં આવશે. ડેલિગેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ગિરનારની યાત્રાએ આવતા યાત્રિકો માટે પીવાનું પાણી, ટોયલેટ બ્લોક અને બેસવા માટેના બાંકડા જેવી પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવાનો છે.
વધુમાં, ગિરનારના સુચારુ વિકાસ અને વ્યવસ્થાપન માટે ગિરનાર ઓથોરિટી બોર્ડની રચના કરવાની ભલામણ પણ સરકાર સમક્ષ કરવામાં આવશે. સ્થાનિક નેતાઓએ ગિરનારના સર્વાંગી વિકાસ માટે સૌને સાથે રાખીને કામ કરવાની તત્પરતા દર્શાવી છે, જેથી આ પવિત્ર સ્થળની મુલાકાતે આવતા દરેક યાત્રિકોને સારો અનુભવ થાય.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
