<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

વંથલી પાલિકાના પૂર્વ પ્રમુખની હત્‍યાની કોશિષ, સારવારમાં ખસેડાયા

જુના મન દુઃખથી ૩ શખ્‍સનો હુમલો, બંદૂકનો પણ ઉપયોગ કર્યો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા. ૧૬: વંથલી પાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજ વાજા પર ગઈકાલે સાંજે મુનાફ, ઈકબાલ, શાહનવાજ નામના શખ્‍સે તલવાર, કુહાડી, લોખંડના પાઇપ વડે હુમલો કરી હત્‍યાની કોશિશ કરતા જૂનાગઢની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજભાઈ હારુનભાઈ વાજાએ તેમની દીકરી પાસે બે વર્ષ પહેલા ઈકબાલ નૂરમિયાં સૈયદ, શાહનવાજ નૂરમીયા સૈયદ અને મુનાફ અલીમીયા સૈયદ સામે પોલીસમાં અરજી કરાવી હતી. ગઈકાલે સિરાજભાઈ ગઈકાલે સાંજે ૭ વાગ્‍યે દરરોજની જેમ વાડીએ જવા નીકળતા હતા.

અકસ્‍માતને લઈ પગમાં ફ્રેક્‍ચર થયેલ હોવાથી મોહસીન હારુનભાઇ કચરા સ્‍કોર્પિયો ગાડીમાં બેસાડતો હતો.

તે વખતે ઈકબાલ નૂરમીયા બંદૂક સાથે, શાહનવાજ નૂરમીયા છરી, કુહાડી સાથે ધસી આવ્‍યા હતા અને ઈકબાલે બંદૂકમાંથી ફાયરિંગ કરવાની કોશિશ કરી હતી પરંતુ ફાયરિંગ નહીં થતાં બંનેએ હુમલો કર્યો હતો. આ દરમિયાન પોરબંદર મુનાફ અલીમીયા સૈયદએ આવી ગાળો કાઢી ઉશ્‍કેરણી કરી હતી. તે વખતે સિરાજભાઈના પત્‍ની વચ્‍ચે પડતા ત્રણેય શખ્‍સો નાસી ગયા હતા. ત્રણ શખ્‍સોના હુમલાથી ઘાયલ થયેલા સિરાજભાઈને જૂનાગઢની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. ઘટનાની જાણ થતા પીઆઇ એ. આર. ચૌધરી, પીએસઆઇ આરવી આહીર સહિતનો પોલીસ કાફલો સ્‍થળ પર દોડી ગયો હતો અને હત્‍યાની કોશિશનો ગુનો નોંધી ત્રણેય શખ્‍સને રાઉન્‍ડ અપ કરી આગળની કાર્યવાહી કરી હતી.

સામા પક્ષે સિરાજ વાજા તથા મોહસીન હારુન સામે જુના મનદુઃખનો ખાર રાખી શાહનવાજ નુરમીયા મટારી તથા તેના ભાઈ ઈકબાલ ભાઈને ગાળો કાઢી લાકડી વડે માર માર્યાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

(1:42 PM IST)